ગાંધીધામમાં જાહેરમાં વેચાતો ઘાસચારો તથા પ્લાસ્ટિક ઝબલાં ઉપર આવી તવાઇ

ગાંધીધામમાં જાહેરમાં વેચાતો ઘાસચારો  તથા પ્લાસ્ટિક ઝબલાં ઉપર આવી તવાઇ
ગાંધીધામ, તા. 9 : અહીંની પાલિકાએ પોલીસ સાથે મળીને લારી-ગલ્લા વગેરે દબાણો હટાવ્યા હતા. હવે આજે શહેરમાં જુદી જુદી જગ્યાએ ઘાસચારો વેચતા વેપારીઓ પાસેથી 3 મણ ઘાસચારો જપ્ત કર્યો હતો. તેમજ પ્લાસ્ટિકના ઝબલાંની દુકાનોમાંથી 2.66 ટન ઝબલાં કબજે કરવામાં આવ્યા હતા. પાલિકાએ આજે સવારથી ઘાસચારો વેચતા વેપારીઓ સામે બાંયો ચડાવી હતી. શહેરના લીલાશાહ નગર, મામલતદાર કચેરી પાછળ, સુભાષનગર, ગુરુકુળ વિસ્તાર,  પી. એન. અમરશી શાળા નજીક, અંબે માતાના મંદિર નજીક વગેરે જગ્યાએ ધોંસ બોલાવી હતી. દબાણ શાખાના કર્મચારીઓ આ જુદી જુદી જગ્યાએ પહોંચી જઇને 3 મણ (500 પૂડા) ઘાસચારો જપ્ત કર્યો હતો અને ઘાસચારો વેચતા વેપારીઓને કડક સૂચના આપવામાં આવી હતી. બીજી બાજુ જુદી જુદી જગ્યાએ પ્લાસ્ટિકના ઝબલાં અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના ગણેશ પ્લાસ્ટિકની દુકાનમાંથી 68 કિલો, રાજ પ્લાસ્ટિકમાંથી 206 કિલો, જય ભવાનીમાંથી 181 કિલો, મારૂતિ ટ્રેડર્સમાંથી 142 કિલો, જલારામ પ્લાસ્ટિકમાંથી 274 કિલો, આદિપુરની વંદના પ્લાસ્ટિકમાંથી 300 કિલો, જલારામમાંથી 240 કિલો, 6 વાળી વિસ્તારમાંથી 970 કિલો, સૂરજ પ્લાસ્ટિક નામની દુકાનમાંથી 124 કિલો એમ કુલ 2660 કિલો (2.66 ટન) 50 માઇક્રોનથી ઓછી પાતળી પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી દરમ્યાન ભારતનગર વિસ્તારમાં દુકાનદારો અને બાતમીદારો વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેના પગલે થોડી ક્ષણો માટે વાતાવરણ તંગ બન્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer