નવી દુધઇ ડી.એ.વી. સ્કૂલનાં નવમા દિવસે તાળાં ખુલ્યાં : કાલથી શિક્ષણ શરૂ

નવી દુધઇ ડી.એ.વી. સ્કૂલનાં નવમા  દિવસે તાળાં ખુલ્યાં : કાલથી શિક્ષણ શરૂ
નવી દુધઇ (તા. અંજાર), તા. 9 : અહીંની ડી.એ.વી. સ્કૂલને લાગેલાં તાળાં આજે આઠ દિવસ બાદ ખુલ્યાં હતાં. આજે દિલ્હી અને અમદાવાદથી આવી પહોંચેલા સંચાલકોએ શાળાની ખૂટતી તમામ સવલતો પરિપૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી અને આમ આવતીકાલે અભ્યાસ રાબેતા મુજબ શરૂ થઇ જશે. મંગળવારે દયાનંદ એંગ્લો વૈદિક વિદ્યાલયના ડાયરેક્ટર પૂનમજીએ મુંબઇ સ્થિત સ્કૂલના પ્રિન્સિપાલ અને ગુજરાતના ડાયરેક્ટર કુરિયન સાથે રીટા મેડમે આ સ્કૂલની મુલાકાત લીધી હતી. બાદમાં છેલ્લા 3 દિવસથી વાલીઓ સાથે ચર્ચા-વિચારણા બાદ ગુરુવારના બપોરે સ્કૂલનાં તાળાં ખોલવામાં આવ્યાં હતાં. સ્કૂલમાં ખૂટતી કડીઓ પૈકી કોમ્પ્યુટર રૂમ, લાયબ્રેરી, બાળકોને રમવા માટે ગ્રાઉન્ડ, પાણી પીવા માટે કૂલર, સી.સી. ટી.વી. કેમેરા સુધીની સુવિધા પૂરી પાડવાની ટ્રસ્ટીગણે બાંહેધરી આપી હતી. ગુરુવારે સવારે અમદાવાદ સ્કૂલના પ્રિન્સિપાલ ડો. નિવિદિતા ગાંગુલીએ વાલીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ સ્કૂલની અંદાજિત 800થી વધારે નાની-મોટી સ્કૂલ, કોલેજો આવેલી છે. આ સ્કૂલને મોડેલ સ્કૂલ બનાવવાની સાથે ખૂટતા શિક્ષકોની પણ ભરતી કરવાની જાહેરાત કરી હતી અને જે શિક્ષકોએ રાજીનામાં આપ્યાં તેમનાં રાજીનામાં રદ કરી ફરી વિદ્યાર્થીઓને સારો અભ્યાસ કરાવો તેવી સૂચના આપી હતી. દરમ્યાન ડો. નિવિદિતા ગાંગુલીએ આ સ્કૂલને બે કોમ્પ્યુટર સેટ અર્પણ કર્યા હતા. જ્યારે વિદ્યાર્થીઓના વાલીગણમાંથી અતુલભાઇ જાદવે બાળકોને પીવા માટે પાણીનું વોટર કૂલર આપવાની જાહેરાત કરી હતી. ટ્રસ્ટીઓ સાથે ચર્ચા-વિચારણામાં અતુલભાઇ જાદવ, લગધીરસિંહ, ભૂરાભાઇ, અરજણભાઇ ખટારિયા, વિક્રમભાઇ છાંગા, મેહુલ પંડયા, જગદીશભાઇ પ્રજાપતિ સાથે બીજા વાલીઓ, ટ્રસ્ટીઓએ શાળા શરૂ કરવાના પ્રયાસ કર્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer