શિકારપુર પાસે 170 બોરી કોલસા સાથે વનતંત્રએ ટેમ્પો ઝડપી પાડયો

શિકારપુર પાસે 170 બોરી કોલસા સાથે વનતંત્રએ ટેમ્પો ઝડપી પાડયો
ભુજ, તા. 9 : પૂર્વ કચ્છમાં ભચાઉ તાલુકાના શિકારપુર ગામ પાસેથી વનતંત્રએ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરીને ટેમ્પોમાં લઇ જવાતા 170 બોરી ગેરકાયદે મનાતા કોલસા ઝડપી પાડયા હતા. આ પ્રકરણમાં ટેમ્પોના ચાલક અને ક્લીનરની અટક કરાઇ હતી.  સામખિયાળીથી સૂરજબારી વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર શિકારપુર નજીક ચાર રસ્તા ખાતે જંગલખાતાની ભચાઉ રેન્જ દ્વારા આ કાર્યવાહી થઇ હતી. જેમાં જી.જે.24-યુ.-3071 નંબરના ટેમ્પોને રોકીને તેની તલાશી લેવાતાં તેમાંથી આધાર-પુરાવા વગરના 170 બોરી બાવળિયા કોલસા મળી આવ્યા હતા.  વનતંત્રની સત્તાવાર યાદી મુજબ ટેમ્પોના ચાલક નવાગામ (ભચાઉ)ના અશોક દિનેશ શામળિયા તથા તેના મદદકર્તા કુંભાણા (રાધનપુર)ના મેઠાજી બાલુજી ઠાકોરની અટક કરાઇ હતી. કોલસા અને ટેમ્પો મળી કુલ્લ રૂા. ચાર લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ કેસમાં વનતંત્રની કલમો મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરાઇ છે. નાયબ વનસંરક્ષક કચ્છ પૂર્વ વન વિભાગ પ્રવીણાસિંહ વિહોલને મળેલી બાતમી અને તેમની સૂચના મુજબ ભચાઉ રેન્જના આર.એફ.ઓ. ગણપત પટેલ, ખીમજીભાઇ કોળી, પ્રભુભાઇ કોળી, જ્ઞાનગર ગુંસાઇ, નારણભાઇ કોળી, ભાવેશભાઇ ચાવડા વગેરે કાર્યવાહીમાં જોડાયા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer