નખત્રાણામાંથી દબાણો હટાવાશે ખરા ?

નખત્રાણામાંથી દબાણો હટાવાશે ખરા ?
નખત્રાણા, તા. 9 : ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારની સૂચનાને પગલે સમગ્ર રાજ્યમાં લોકોને નડતરરૂપ ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ થઈ છે ત્યારે પશ્ચિમ કચ્છના મુખ્ય મથક નખત્રાણામાં તંત્ર હજુ મુહૂર્તની રાહ જોતું હોય તેવું લાગે છે ! નખત્રાણાની મધ્યમાંથી પસાર થતા ભુજ-લખપત રાજ્ય ધોરીમાર્ગને કારણે ભારે વાહનોનો ટ્રાફિક વસ્તીવાળા વિસ્તારમાંથી પસાર થતો હોવાથી તંત્રની મીઠી નજર હેઠળ થયેલાં વ્યાપક દબાણોને કારણે ટ્રાફિક તો અવરોધાય છે જ પણ નાગરિકોને માર્ગ પર ચાલવું પણ જોખમભર્યું બનતું જાય છે. પી.ડબલ્યુ.ડી. સ્ટેટની કચેરી અહીં સ્થાનિકે હોવા છતાં તેની નજર સામે દિન-પ્રતિદિન રેખા નિયંત્રણનો ભંગ કરીને સરકારી જમીન પર કાચાં અને હવે તો ખુલ્લેઆમ પાકાં દબાણો કરવાનું દૂષણ વધી રહ્યું હોવા છતાં તંત્ર હરકતમાં આવતું નથી. જેનો ભોગ લોકો બની રહ્યા છે. ગામના મુખ્ય માર્ગ એવા સરદાર પટેલ રોડ અને ધોરીમાર્ગની બાજુમાં અગાઉ વહીવટી તંત્ર દ્વારા દબાણો થતાં હોવાનું કારણ આગળ ધરી ત્યાં ઊભેલા વડના જૂના મહાકાય વૃક્ષને ધરાશાયી કરી થોડા દિવસ માટે દબાણો હટાવી દેવામાં આવેલાં પણ આ જગ્યાએ માથાભારે તત્ત્વો દ્વારા પુન: પાકી ઓફિસો અને દબાણો ખડકી દેવામાં આવેલી હોવા છતાં તમામ સરકારી તંત્ર ચૂપ છે. રોડ સાઈડનાં દબાણો હોવાથી ગ્રામ પંચાયત તંત્ર સ્વાભાવિક જ હાથ ઊંચા કરી રહ્યું છે પણ પી.ડબલ્યુ.ડી. અને મહેસૂલ તંત્રની જવાબદારી હોવા છતાં અહીં પૂછાણું લેવાવાળું કોઈ નથી તેમ માની તંત્ર સુષુપ્ત અવસ્થામાં છે. દબાણકારોમાં ધાક બેસે તેવી કડક કાર્યવાહી સત્વરે શરૂ કરાય તેવી પ્રબળ લોકલાગણી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer