લોકજુવાળ થકી જ કચ્છ અલગ રાજ્ય બનશે

લોકજુવાળ થકી જ કચ્છ અલગ રાજ્ય બનશે
ભુજ, તા. 9 : ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી, કચ્છના પૂર્વ સાંસદ, રાજકીય આગેવાન બાબુભાઈ મેઘજી શાહની આગેવાનીમાં કચ્છ અસ્મિતા મંચના સંયુક્ત કાર્યાલયનું કચ્છના અગ્રણીઓની હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કચ્છની જનતાને સતાવતા પ્રશ્નોને વાચા આપવા, નાનામાં નાના માણસના વણઉકેલ પ્રશ્નોના ઉકેલ આણવાના આશયથી ભુજ ખાતે ન્યૂ સ્ટેશન રોડ સ્થિત સ્વસ્તિક કોમ્પ્લેક્સના પહેલા માળે કાર્યાલય શરૂ થયું હતું. ત્યારબાદ એક સમારંભ યોજવામાં આવ્યો હતો. આમંત્રિત મહેમાનોનું સ્વાગત કચ્છ અસ્મિતા મંચના અગ્રણી પ્રજ્ઞેશ ચોથાણીએ કર્યું હતું. કપિલભાઈ મહેતાએ મંચની સ્થાપના પાછળનો ઉદેશ્ય, આગામી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. રુદ્રાણી જાગીરના અધ્યક્ષ રૂપાભાઈ ચાડએ કચ્છીઓ જો જાગૃત નહીં રહે તો કચ્છ પણ રહેશે કે નહીં ? તેવી ભીતિ દર્શાવી હતી.  ભુજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હકૂમતસિંહ જાડેજાએ સરકારી કચેરીમાં કોઈ પણ કામ વ્યવહાર વગર થતું નથી તેવું જણાવ્યું હતું.  ગૌચર જમીનમાં દબાણો થઈ ગયા હોવાથી ઢોરોને ચરવા માટે જમીનો પણ વધી નથી ઉમેર્યું હતું. પૂર્વ ડેપ્યુટી કલેક્ટર અને મહેસૂલી પ્રશ્નોના જાણકાર શશિકાન્ત ઠક્કરે મહેસૂલ નીતિમાં રહેલી ખામીઓ વિસ્તૃત માહિતી સાથે ઉજાગર કરી હતી. માંડવીના અગ્રણી અજિતભાઈ સાધુએ કચ્છની જનતાને જાગૃત બનવા હાકલ કરી હતી. ભચાઉના અગ્રણી અશોકસિંહ ઝાલાએ ખનિજ સંપદા અને રોયલ્ટીની થઈ રહેલી ચોરી ઉપર પ્રકાશ પાડયો હતો. રવીન્દ્ર ત્રવાડી, અમીરઅલી લોઢિયા, શૈલેશ જોશીએ પણ પોતાનાં વક્તવ્યમાં જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ અદાણીને સોંપી દેવા શિક્ષણ વ્યાપારીકરણ, આરોગ્યની બાબતે સરકારની ઉદાસીનતા જેવા મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. બાબુભાઈ શાહે પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં નર્મદાનાં પાણીનો મુદ્દો વિસ્તૃત આંકડાકીય માહિતી સાથે રજૂ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા અન્યાય પર પ્રકાશ પાડયો હતો. તેમણે પોતાના ધારાસભ્ય, સાંસદ તેમજ મંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન હંમેશાં કચ્છહિતને જ પ્રાધાન્ય આપવાનું જણાવ્યું હતું.  અલગ કચ્છ રાજ્ય માટે પ્રયત્નો આદરનારા સ્વ. પ્રફુલ્લભાઈ ગોસ્વામીને યાદ કરીને અલગ કચ્છ માટે કટિબદ્ધ થવા કચ્છની જનતાને હાકલ કરી હતી. ભચાઉના કમલેશભાઈ ઠક્કરે પક્ષાપક્ષીથી દૂર રહી કચ્છના આ પ્રશ્નો માટે એક થઈ લડત આપવા જણાવ્યું હતું. રાજેશ પ્રેમજી ઠક્કર, ભારત સંઘવી, રાજેશ ગઢવી, મિતુલભાઈ મોરબિયા, મનસુખ નાગડા, સ્વાતંત્ર્યસેનાની માધુબાપા, અખેરાજજી વાઘેલા, મધુકરભાઈ ઠક્કર, કિશનભાઈ રૂપારેલ, પ્રભાબેન પટેલ તેમજ અનેક સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ ભાવનાબેન હીરાણીએ કરી હતી. સંચાલન અનિલ ડાભીએ કર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer