આઈપીએલની બ્રાન્ડ વેલ્યુમાં જબ્બર ઉછાળો

નવી દિલ્હી, તા.9: અનેક વિવાદોમાં ઘેરાવા છતાં આઇપીએલની લોકપ્રિયતામાં કોઇ જ ઘટાડો આવ્યો નથી. આઇપીએલની બ્રાન્ડ વેલ્યુ ગયા વર્ષની તુલનામાં 19 ટકા વધીને 43 હજાર 260 કરોડ રૂપિયાની થઈ છે. 2017માં આઇપીએલની બ્રાન્ડ વેલ્યુ 36 હજાર કરોડ રૂપિયા હતી. ડફ એન્ડ ફેલ્પ્સ કંપનીના રિપોર્ટ અનુસાર આઇપીએલ ઉપરાંત તેની ટીમોની પણ બ્રાન્ડ વેલ્યુ વધી છે. આઇપીએલ-11નું સ્ટાર સ્પોર્ટસ ચેનલ દ્વારા 17 ચેનલ દ્વારા જુદી જુદી 8 ભાષામાં પ્રસારણ કરવામાં આવ્યું હતું. આથી પણ બીસીસીઆઇની આ ક્રિકેટ લીગને જબ્બર ફાયદો થયો છે. સ્ટાર ઇન્ડિયાએ પાંચ વર્ષના પ્રસારણ અધિકાર માટે બીસીસીઆઇને રેકોર્ડબ્રેક 16,347.પ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આઇપીએલની 11મી સિઝનમાં જાહેરાતની કમાણી પણ પ4 ટકા વધી હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે. આ વખતે 2000 કરોડની કમાણી થઇ છે. ગયા વર્ષે સોની ઇન્ડિયાને 1300 કરોડ મળ્યા હતા. રિપોર્ટ અનુસાર આઇપીએલની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સૌથી વધુ 77પ કરોડ સુધી બ્રાન્ડ વેલ્યુ પહોંચી છે. આ વર્ષે તેની વેલ્યુમાં 7 ટકાનો વધારો થયો છે. આ પછી કોલકતા નાઇટ રાઇડર્સની બ્રાન્ડ વેલ્યુ 714 કરોડ આંકવામાં આવી છે. ધોનીના સુકાનીપદ હેઠળ આ વર્ષે વાપસી કરીને ચેમ્પિયન બનનાર ચેન્નાઇ સુપર કિંગ્સની બ્રાન્ડ વેલ્યુ વધીને 673 કરોડ રૂપિયા થઇ છે. આ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (673 કરોડ), સનરાઇઝર્સ હૈદરાબાદ (481 કરોડ), કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી ડેર ડેવિલ્સ (3પ7-3પ7 કરોડ), રાજસ્થાન રોયલ (29પ કરોડ) છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer