ઘેટાં-બકરાં નિકાસ મામલે ડીજી શિપિંગે પોતાની જ મંજૂરી પાછી ખેંચતાં આશ્ચર્ય

ગાંધીધામ, તા. 9 : વર્ષોથી ગુજરાતના એકમાત્ર તુણા બંદરેથી થઇ રહેલી ઘેટાં-બકરાં (લાઇવ સ્ટોક)ની નિકાસને ચાલુ મહિને મંજૂરી આપનારા ડાયરેકટર જનરલ શિપિંગે અચાનક પોતાની આ મંજૂરી પાછી ખેંચતાં નિકાસકારોમાં ભારે નારાજગી પ્રસરી છે. હવે આ મામલે કાનૂની જંગ ખેલાય તેવા સંકેત મળી રહ્યા છે. દરમ્યાન અખિલ ભારત કૃષિ ગૌસેવા સંઘે માત્ર કતલ માટે મૂંગા જીવોની થતી નિકાસને રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય કાયદાના ભંગ સમાન ગણાવીને વિરોધ વ્યક્ત કર્યો છે. ચાલુ મહિનાના આરંભે 3જી ઓગસ્ટે ડી.જી. શિપિંગે કેટલાક નિકાસકાર સંગઠનોની રજૂઆતના આધારે દરિયાની સ્થિતિ યોગ્ય હોવાથી એક મહિનો વહેલી (સપ્ટે. 15ને બદલે) ચાલુ મહિનાથી જ લાઇવ સ્ટોકની નિકાસ માટે મંજૂરી આપી હતી. જેને પગલે અહીંના તુણા બંદરે 10થી 12 હજાર ઘેટાં લઇ અવાયાં હતાં. કેટલાક જીવદયાપ્રેમી સંગઠનોએ વિરોધનો સૂર ખડો કરતાં પ્રથમ ગુજરાત રાજ્ય પ્રશાસને આ નિકાસ અટકાવી હતી. પરિણામે ચાર દેશી વહાણો, તેના ઉપરના 40થી 50 ક્રુ સભ્યો, 10થી 12 હજાર ઘેટાં વગેરે તુણા બંદરે અટકી પડયાં હતાં. જિલ્લા કલેકટરે ડી.પી.ટી. ઉપાધ્યક્ષને એક પત્ર  પાઠવી નિકાસ અટકાવવા સૂચવ્યું હતું. આ પગલાંનો ભારે વિરોધ થયો હતો. દરમ્યાન ડીજી શિપિંગે ગઇકાલે અચાનક પોતાની જ 3જી તારીખની મંજૂરી કોઇપણ કારણ દર્શાવ્યા વિના જ પાછી ખેંચી લેતાં હવે નિકાસકારોની સ્થિતિ કફોડી બની છે. આ મામલે હવે અદાલતનું શરણ લેવાનું ચર્ચાઇ રહ્યું છે. દરમ્યાન, મહારાષ્ટ્રના અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘના અગ્રણી કેસરીચંદ મહેતાએ એક યાદીમાં જણાવ્યું છે કે ભારતના બંધારણની કલમ 48 તથા 48-એ પ્રમાણે રાજ્યના પશુઓનું વૈજ્ઞાનિક ઢબે સંરક્ષણ અને સંવર્ધન કરવાની મૂળભૂત જવાબદારી રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. ધી પ્રિવેન્શન ઓફ ક્રુઆલ્ટીસ ટુ એનિમલ એકટ 1960 પ્રમાણે જીવતા પશુની નિકાસની છૂટ વૈજ્ઞાનિક શોધો કે સંવર્ધન માટે જ અપાઇ છે. કતલ માટે નિકાસની છૂટ આપવામાં આવી નથી. આ સંગઠને હાલની તુણાથી થનારી નિકાસને ગેરકાયદે ગણાવીને તેને અદાલતમાં પડકારવામાં આવી હોવાનું ઉમેર્યું છે. સાથે સાથે તેમણે આ યાદીમાં આવી નિકાસ બંધ કરવાની માંગ પણ કરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer