પાલનપુરની ટ્રેનોમાં થયેલા ફેરફારથી કચ્છને સાત નવી ટ્રેનોનો લાભ થશે

ગાંધીધામ, તા. 9 : પશ્ચિમ રેલવે દ્વારા આગામી તા. 15 ઓગસ્ટથી ભુજ-ગાંધીધામથી પાલનપુર વચ્ચે દોડતી ટ્રેનોના સમયમાં કરાયેલા પરિવર્તનથી કુલ 7 ટ્રેનોના કનેક્શન આપવામાં આવ્યા છે. આ ફેરફારથી કચ્છના પ્રવાસીઓને અમદાવાદ સુધી જવું નહીં પડે. રેલવે દ્વારા ગાંધીધામ-પાલનપુર ઈન્ટરસિટી ટ્રેનને ભુજ સુધી લંબાવાઈ છે જ્યારે ભુજ પાલનપુર વચ્ચે દોડતી ટ્રેનને ટૂંકાવીને ગાંધીધામ પાલનપુર વચ્ચે દોડાવાશે. રેલવે દ્વારા આ બંને ટ્રેનોના સમયપત્રકના ફેરફાર સંદર્ભે સત્તાવાર ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે. નવા સમયપત્રક મુજબ ગાંધીધામથી સવારે 6 વાગ્યે ઉપડી 1 વાગ્યે પહોંચનારી ગાંધીધામ-પાલનપુર ટ્રેનને બપોરે 1.50 વાગ્યે પાલનપુર પહોંચતી હરિદ્વાર મેલ (19031), બપોરે 2.23 વાગ્યે પહોંચતી અમદાવાદ-જમ્મુ તાવી (19223) અને બપોરે 2.43 વાગ્યે પહોંચતી અમદાવાદ લખનૌ (19401) ટ્રેન કચ્છના પ્રવાસીઓ પકડી શકશે. એ જ રીતે ભુજથી 11.20 વાગ્યે ઉપડી સાંજે 7.20 વાગ્યે પહોંચનારી ભુજ-પાલનપુર ટ્રેનના પ્રવાસીઓ આશ્રમ એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ ઉપરાંત સાંજે પાલનપુર પહોંચતી અમદાવાદ-વારાણસી, અમદાવાદ-આગ્રા ફોર્ટ ટ્રેનને પણ જોડાણ આપવામાં આવ્યું છે. આગ્રા-અમદાવાદ, અજમેર-અમદાવાદ, જમ્મુ તાવી- અમદાવાદ, હરિદ્વાર-અમદાવાદના પ્રવાસીઓ બપોરે ઉપડતી પાલનપુર-ભુજ ટ્રેનમાં કચ્છ આવી શકશે. તેમજ જોધપુર-અમદાવાદના પ્રવાસીઓ રાત્રે 8 વાગ્યે ઉપડતી પાલનપુર-ગાંધીધામ ટ્રેનમાં ગાંધીધામ આવી શકશે. પ્રવાસીઓની સુવિધા માટે સંભવત: ભુજ-પાલનપુર ટ્રેનમાં બે સ્લીપર કોચ પણ લગાડવામાં આવશે. આ ટ્રેનમાં એક થર્ડ એસી કોચ પણ જોડવામાં આવે તેવી માંગ પણ પ્રવાસીઓ કરી રહ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer