ભુજના ડેવલોપર્સની જામીન અરજી જિલ્લા કોર્ટે પણ ફગાવી

ભુજ, તા. 9 : ચેક પરત થવાના અને અન્ય ફોજદારી કેસોમાં સત્તર-સત્તર પકડ વોરન્ટ નીકળ્યા છતાં લાંબા સમય સુધી ભાગેડુ રહ્યા બાદ પકડાયેલા ભુજના સૂર્યા ડેવલોપર્સના સંચાલક ફિરોઝ મહમદ હુશેન ખત્રીની જામીન અરજી જિલ્લા  અદાલત દ્વારા નામંજૂર કરાઇ હતી. સત્તર પકડ વોરન્ટ નીકળ્યા બાદ આઈ.જી. સ્તરે થયેલી રજૂઆત બાદ પોલીસે આ આરોપીને પકડી કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ સમક્ષ પેશ કરતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. બાદમાં વોરન્ટ રદ થયા બાદ છુટકારો થયા પછી નેગોશિયેબલ ધારા હેઠળના કેસમાં તેનો કબજો લઇ તેને કોર્ટ સમક્ષ હાજર કરાતાં જામીન અરજી નામંજૂર કરીને તેને પુન: જેલમાં મોકલી અપાયો હતો. દરમ્યાન તહોમતદાર માટે જિલ્લા અદાલત સમક્ષ જામીન અરજી મુકાઇ હતી. કોર્ટે વર્તણૂંક, ગેરહાજરી અને કેસની ગંભીરતા જેવા પાસા કેન્દ્રમાં રાખી જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આપ્યો હતો. આ કેસોમાં ફરિયાદીના વકીલ તરીકે મહેન્દ્ર દયારામ ઠક્કર, કુલિન જેન્તીલાલ ભગત અને અકુલ અશોકભાઇ અમૃતિયા રહ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer