માંડવી વિન્ડફાર્મ દરિયા કિનારાને જોડતા સમાંતર રસ્તાનાં દ્વાર ઉઘડયાં

માંડવી, તા. 9 (પ્રતિનિધિ દ્વારા) : એકાદ દાયકાથી તુમારશાહીમાં અટવાયેલા અને પ્રવાસનના પરિપ્રેક્ષ્યમાં અત્યંત આવશ્યક વિન્ડફાર્મ દરિયા કિનારાને જોડતો સમાંતર રસ્તો સાકાર થવાનાં દ્વાર ઉઘડી જવાના સમાચારથી આનંદ વ્યાપી ગયો છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રાલયે જંગલ ખાતાની જમીનને કોતરીને પસાર થનારા રસ્તા માટે આઠ હજાર ચો.મીટર જમીન નગર સેવા સદનને હવાલે કરવાનો નિર્ણય લીધો છે. નગર સેવા સદનના પ્રમુખ મેહુલ અભયકુમાર શાહે આપેલી જાણકારી પ્રમાણે શીતલા મંદિર પાસેના ગઢશીશા રોડ ત્રિભેટેથી ખાનગી જમીનમાંથી વન વિભાગની જમીનમાંથી પસાર થઇ વિન્ડફાર્મ બીચને જોડતો સૂચિત રસ્તો પરિણામલક્ષી બની રહ્યો છે. દરિયા કિનારે જવા માટે એકમાત્ર અનંત માર્ગ (અનંત દ્વાર) વિકસતાં અને વિસ્તરતાં પ્રવાસન માટે યાતાયાતમાં માથાનો દુ:ખાવો અનુભવાયો હોવાથી સમાંતર (એપ્રોચ) રોડ અનિવાર્ય બન્યો છે. આ સંબંધે લાંબા સમયથી મહેસૂલ વિભાગ મારફતે વન વિભાગની જમીન મેળવવા સક્રિય પ્રયાસો સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરાયા હતા. સરકારી વિભાગો ટેબલો બદલે અને તુમારશાહીમાં જટિલ સમસ્યાનું નિરાકરણ વિલંબિત થાય ત્યારે નાગરિકોની અકળામણ સ્વાભાવિક મનાય. 8000 ચો.મી. વન વિભાગની જમીન નગર સેવા સદનને હસ્તાંતર કરાવવાનો નિર્ણય લેવાઇ જતાં ધવલનગર-3 સાથે સદર (સૂચિત) એપ્રોચ રોડ જોડવાની પ્રક્રિયા તાકીદે હાથ ધરાશે એવું જાણવા મળ્યું હતું. આ દરમ્યાન શીતલા ઓક્ટ્રોય પાસે (ત્રિભેટે) ખાનગી જમીન સંપાદન સંબંધી કાર્યવાહી હાથ ધરાશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer