આદિપુર તોલાણીમાં બી.વોક. કોર્સ શરૂ

ગાંધીધામ, તા.9 : વિજ્ઞાન પ્રવાહના ગણિત વિષય સાથે સ્નાતક કે અનુસ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ શિક્ષક કે પ્રાધ્યાપક તરીકેની નોકરીની તકો ઉપલબ્ધ હોય છે, પરંતુ હવે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ નોકરીની તકો ઊજળી બનશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ચાર વર્ષ પૂર્વે જ શરૂ કરાયેલા બેચરલ ઓફ વોકેશનલના ડિગ્રી કોર્સને (અભ્યાસક્રમ) માટે તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મંજૂરી આપવામાં આવી છે. તોલાણી કોમર્સ કોલેજ બાદ બીજી કોલેજમાં બી. વોક.નો અભ્યાસક્રમ શરૂ થશે. કોલેજના આચાર્ય ડો. સુશીલ ધર્માણી અને ગણિત વિભાગના અધ્યક્ષ ડો. રાજેશ ઠક્કરના જણાવ્યા પ્રમાણે યુ.જી.સી. દ્વારા ઈન્ડસ્ટ્રીયલ એન્ડ એપ્લાયડ મેથેમેટિક્સ વિષયના બી. વોક.ના અભ્યાસક્રમને મંજૂરી આપવામાં આવી છે. યુજીસી દ્વારા દેશની 117 જેટલી કોલેજોમાં બેચલર ઓફ વોકેશનલના વિવિધ વિષયના ડિગ્રી કોર્સને મંજૂરી આપવામાં આવી છે. જેમાં સંભવત: દેશમાં સૌપ્રથમ વખત ઈન્ડસ્ટ્રીયલ મેથેમેટિકસના અભ્યાસક્રમને આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આપવામાં આવ્યો છે. બી. વોક.ના ત્રણ વર્ષના અભ્યાસક્રમમાં વિદ્યાર્થી એક વર્ષ પૂરું કરે તો ડિપ્લોમા, બે વર્ષ પૂર્ણ કરે તો એડવાન્સ ડિપ્લોમા અને ત્રણ વર્ષ પૂર્ણ કરે તો ગ્રેજ્યુએશનની ડિગ્રી આપવામાં આવશે. ડો. ઠક્કરે વધુમાં વિગતો આપતાં જણાવ્યું હતું કે ધો.12ના કોઈપણ પ્રવાહના વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. આ વર્ષથી અભ્યાસક્રમ શરૂ કરી દેવાશે અને તેની પ્રવેશ પ્રક્રિયા તુરંતમાં શરૂ કરાશે. બી. વોક. કર્યા બાદ એમબીએ, સીએ જેવા અભ્યાસક્રમોની વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકે છે. ઈન્ડસ્ટ્રીયલ એન્ડ એપ્લાયડ મેથેમેટિક્સનો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે કોલેજના પ્રાધ્યાપકો  વિવિધ ઉદ્યોગગૃહોની મુલાકાત લેશે અને ઉદ્યોગગૃહોની જરૂરિયાત મુજબનો અભ્યાસક્રમ તૈયાર કરી વિદ્યાર્થીઓને ભણાવાશે. આમ, ગણિત વિષય સાથે બી.વોક.ની ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને હવે ઉદ્યોગ ક્ષેત્રમાં સારી તક મળશે. આ ત્રણ વર્ષના અભ્યાસક્રમ માટે યુજીસી દ્વારા માતબર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જેથી અભ્યાસક્રમની ફી ઓછી રહે તેવી સંભવના છે. આ નવતર અભ્યાસક્રમ મારફત કચ્છમાં પ્રસ્થાપિત ઉદ્યોગગૃહોમાં સ્થાનિક લોકોની રોજગારીનું પ્રમાણ પણ વધશે. અભ્યાસક્રમ દરમ્યાન ઔદ્યોગિક મુલાકાત સહિતનું આયોજન પણ ગોઠવવામાં આવશે. આ અભ્યાસક્રમ મંજૂર થતાં ગાંધીધામ કોલેજીયેટ બોર્ડના પ્રમુખ અંજના હજારે, કેમ્પસ ડાયરેકટર પ્રો. એલ.એચ. દરિયાણીએ આચાર્ય ડો. ધર્માણીને અભિનંદન પાઠવ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer