જિ.પં.ની કારોબારી, શિક્ષણ અને બાંધકામ સમિતિના અધ્યક્ષપદ માટે સ્પર્ધા

ભુજ, તા. 9 : આગામી સપ્તાહ પછી એટલે કે 14મીએ જિલ્લા પંચાયતની સાત સમિતિઓના અધ્યક્ષોની વરણી થવાની છે, ત્યારે અત્યારે મહત્ત્વની સમિતિના ચેરમેનપદ માટે છેલ્લી ઘડીની દોડધામ સભ્યો દ્વારા શરૂ થઈ ગઈ છે. કુલ સાત સમિતિઓ પૈકીની મહત્ત્વની કહી શકાય તેવી કારોબારી, આરોગ્ય, બાંધકામ અને સિંચાઈ સમિતિ માટે `વજનદાર' સભ્યો અને તેમના વાલીઓ વડીલો પણ ભલામણના મૂડમાં આવી ગયા છે. કારોબારી સમિતિને લાગે વળગે છે ત્યાં સુધી આહીર સમાજના સભ્યને પ્રતિનિધિ મળે તે માટે છેક રાજ્યકક્ષાએથી પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં હરિભાઈ જાટિયાનું નામ મોખરે છે, અન્યથા નવીનભાઈ જરૂ પણ સ્પર્ધામાં છે.તો શિક્ષણ સમિતિમાં ફરી છાયાબેન ગઢવીની નિયુક્તિ માટે ઉચ્ચકક્ષાએથી દબાણના પ્રયાસો થતા હોવાનું અંતરંગ વર્તુળો કહે છે.  જ્યારે બાંધકામ સમિતિમાં આમ તો પ્રથમ નામ ફરી ભીમજી જોધાણીનું વિચારાય તેવી શક્યતા નકારાતી નથી. પણ જો કારોબારી ચેરમેનપદે હરિભાઈની નિયુક્તિ ન થાય તો હરિભાઈને બાંધકામ સમિતિમાં ગોઠવવાની પણ ચાલ જોવાઈ રહી છે. જો કે વર્તુળો કહે છે કે, લગભગ બે સમિતિના અધ્યક્ષ રિપીટ થાય તો નવાઈ નહીં લાગે. તે સિવાય આરોગ્ય, સિંચાઈમાં નવા ચહેરાને સ્થાન મળે તેવો સિનારીયો જોવાઈ રહ્યો છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer