નલિયા બાદ હવે કોઠારા, તેરા,વાયોરના દબાણો પણ હટાવાય તેવી વકી

નલિયા (તા. અબડાસા), તા. 9 : શહેરી વિસ્તારમાં વિવિધ સ્થળે ચાલતી દબાણ હટાવ ઝુંબેશની અસર અબડાસાના ગ્રામ્ય વિસ્તારમાં પણ થઈ છે. જમીન દબાણ અંગે અબડાસાના મુખ્ય મથક નલિયા નજરે ચડયા પછી હવે તાલુકાના વિકસિત એવા કોઠારા ગામે પણ દબાણ હટાવવાનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે. કોઠારાના બસ સ્ટેશન વિસ્તાર, જંગી તળાવની આવ, માનપુરા સહિતના વિસ્તારોમાં એકંદર અંદાજિત 250થી વધુ દબાણો અસ્તિત્વમાં છે. ખાસ કરીને બસ સ્ટેશન વિસ્તાર સર્વે નં. 853 પૈકી ટાવર્સની મોટાભાગની જમીન પર પાકી દુકાનો બની ગઈ છે. શ્રી સરકારની ગામતળની લગોલગ આવેલી આ સીમતળની જમીન પર મોટાપાયે દબાણ હોતાં મહેસૂલ તંત્ર મોડે મોડે પણ જાગ્યું છે. બુધવારે મામલતદાર વી.ડી. પૂજારાએ કોઠારા ગ્રામ પંચાયતની મુલાકાત લઈ દબાણકારોને નોટિસ આપવાની તાકીદ કરી હતી. પ્રારંભિક તબક્કે સીમતળ અને ગામતળના જમીન દબાણોના સર્વે કરી 18મી ઓગસ્ટ સુધી નોટિસો ફટકારવાની તાકીદ આપી છે. તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે રાજ્ય બાંધકામ વિભાગ માલિકીના વિસ્તારમાં દબાણો તો દૂર થઈ ગયાં છે. અલબત્ત ગામતળનાં દબાણો હટાવવા પંચાયતે આગામી તા. 16મીના બેઠક બોલાવી છે. જેમાં ગામતળ દબાણનો મુદ્દો ચર્ચાશે. દબાણકારોએ દબાણ દૂર ન થાય તે માટે તંત્ર પર દબાણ લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે તે જોતાં નજીકના ભવિષ્યમાં ગામતળનું દબાણ દૂર થાય તે વાતમાં ઝાઝો દમ નથી, તેવું જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું. દરમ્યાન અન્ય ત્રણ ગામો તેરા, વાયોર, મોથાળા ખાતે અનધિકૃત દબાણ દૂર કરવા જિલ્લા કલેક્ટરની સૂચનાને પગલે દબાણ હટાવ ઝુંબેશ આ ગામોમાં પણ પહોંચશે તેવું જાણવા મળે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer