અંજારના ગાંધી સર્કલની સુધારણા કરાશે : ખાનગી શાળાએ દત્તક લીધું

અંજાર, તા. 9 : અહીંની મામલતદાર કચેરી પાસે આવેલા ગાંધી સર્કલની સુધારણા કરવામાં આવશે  અને એના માટે ખાનગી શાળા સંચાલકોએ સર્કલને  દત્તક લેવાની તૈયારી  દર્શાવી છે.  નયા અંજાર વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરી સામે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા ધરાવતું ગાંધી સર્કલ દૃષ્ટિગમ્ય બને અને આ કાર્યમાં શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ, સ્કૂલોની પણ સહિયારી જવાબદારી હોવાનું સ્વીકારી  બીનાબેન પરીખ સ્કૂલ ફોર એક્સલન્સ કે જે કાકુભાઈ પરીખ એજ્યુકેશન સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે, તે સોસાયટીના મયંકભાઈ પરીખ તથા કુમારી ખુશાલીબેન મયંક પરીખ દ્વારા રિનોવેશન માટે દત્તક લેવા માટે તૈયારી દર્શાવી આ અંગે અંજાર નગરપાલિકાને પત્ર દ્વારા જાણ કરી છે. નગરપાલિકા દ્વારા પણ આ માટે સાનુકૂળ પ્રતિભાવ આપી સોસાયટીની આ દરખાસ્તને સ્વીકારી આ સર્કલ રિનોવેશન હેતુસર સોસાયટીને સોંપવા હકારાત્મક પ્રત્યુત્તર આપ્યો છે. સોસાયટી દ્વારા રજૂ કરવામાં આવેલી ડિઝાઈન મંજૂર કરી સોસાયટીને ગુજરાત સરકારના રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, અંજાર નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ પુષ્પાબેન ટાંક, ઉપપ્રમુખ અનિલભાઈ પંડયા, શાસકપક્ષ નેતા ડેનીભાઈ શાહનો પ્રોત્સાહક સહયોગ મળ્યો હતો.વર્તમાન નગરપાલિકાના નવયુવાન પ્રમુખ રાજેશભાઈ પલણ, ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, કા. ચે. કેશવજીભાઈ સોરઠિયા શહેર માટે કાંઈક સારું કરવાની ભાવના ધરાવતા હોઈ તેઓ પણ સોસાયટીના આ કાર્યમાં સારો રસ દાખવીને સોસાયટીને સંપૂર્ણ સહયોગી થઈ રહ્યા છે, ત્યારે સોસાયટી દ્વારા આ રિનોવેશન કાર્યનું ખાત મુહૂર્ત ત્રિકમદાસજી મહારાજના હસ્તે અધ્યક્ષ રાજુભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer