સરકારનો આભાર માનવા વીજ કર્મચારીઓ કેસરી પટ્ટી ધારણ કરશે

ગાંધીધામ, તા. 9 : અખિલ ગુજરાત કામદાર સંઘની સાતમા વેતન પંચની અમલવારી, વિદ્યુત સહાયકોનો પગાર વધારો, કંપની ચેન્જ (બદલાવ) તેમજ એરિયર્સની ચૂકવણી અંગેની રજૂઆતને સરકારે મંજૂર કરતાં આભારની અભિવ્યક્તિ કરવા બે દિવસ વીજ કર્મીઓ કેસરી પટ્ટી ધારણ કરીને કામ કરશે. કામદાર સંઘની માંગણીઓ સંતોષાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ઉર્જાપ્રધાન સૌરભ પટેલનું બહુમાન અને અભિવાદન કાર્યક્રમ સંઘના પ્રમુખ તથા કાર્યકારી પ્રમુખ વાસણભાઇ આહીરની આગેવાનીમાં રાખવામાં આવ્યો હતો. આ વેળાએ સુપર પાવર વર્કિંગ સમિતિના સભ્યો હાજર રહ્યાં હતાં. સાતમા વેતનની અમલવારી, વિદ્યુત સહાયકોના પગાર વધારાને મંજૂરી, કંપની ચેન્જ (બદલાવ)ના પ્રશ્ને હકારાત્મકતા દાખવી નિર્ણય કરવા સહમતી, ઊર્જાખાતાના કર્મીઓને 19 મહિનાના એરિયર્સની ચૂકવણી કરી આપવાની મંજૂરી સરકારે આપી હોવાનું સંઘના પ્રમુખ ભરતભાઇ પંડયાએ જણાવ્યું હતું. કામદાર સંઘની આ રજૂઆતો સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. જેના આભારની અભિવ્યક્તિ કરવા તા. 12-8થી 14-8 દરમ્યાન અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના તમામ સભ્યો કેસરી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. અને સામુહિક આભારની અભિવ્યક્તિ કરશે તેવું એક યાદીમાં જણાવાયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer