આગામી માસ સુધી કચ્છમાં પાંચ હજાર એપ્રેન્ટિસ કર્મીઓની ભરતી થશે

ભુજ, તા. 9 : ગત મે-2018થી રાજ્યભરની સાથોસાથ કચ્છ જિલ્લામાં લોન્ચ કરાયેલા મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાને 10 હજાર એપ્રેન્ટિસશિપની ભરતીનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યળો છે. જે અનુસંધાને આજે જિલ્લા  આયોજન હોલમાં રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં જિલ્લાવાર ફાળવાયેલા લક્ષ્યાંક સામે કામગીરી - પ્રગતિની સમીક્ષા કરાઇ હતી. કચ્છ જિલ્લામાં જુલાઇ-2018 અંતિત કુલ 2237 રોજગારવાંચ્છુઓની મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ અંતર્ગત ભરતી કરાયાનું જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવતાં આગામી સપ્ટે.-18 સુધીમાં પાંચ હજાર રોજગારવાંચ્છુઓની ભરતી કરી દેવાશે તેવું જણાવ્યું  હતું.  વિગતવાર જોઇએ તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, સરકારી એન્જિનીયરિંગ કોલેજ, પોલીટેકનિક, અદાણી મેડિકલ, લેવા પટેલ હોસ્પિટલ, જિલ્લા ઉદ્યોગ દ્વારા ત્રણ અગ્રણી અને વધુ મેન પાવર ધરાવતી ઈન્ડસ્ટ્રીઝમાં, બે સેલ્ફ  ફાયનાન્સ કોલેજમાં, રોજગાર તથા નગર સેવા સદનના ભરતી મેળામાં, આરટીઓ, સીએચસી, પીએચસી સેન્ટરો, સાંઘી સિમેન્ટ, આર્ચિયન કેમિકલ, અલ્ટ્રાટેક સિમેન્ટ તથા અન્ય 500થી વધુ મેન પાવર ધરાવતા 37 એકમોમાં એપ્રેન્ટિસશિપનો 2.5 ટકાનો રેસિયો 10 ટકાની મર્યાદા સુધી લઇ જઇ 50 વણનોંધાયેલા એકમોની નોંધણી કરી તથા સેવા ક્ષેત્રમાં 275 એપ્રેન્ટિસોની ભરતી કરી આગામી સપ્ટે-18 અંતિત 5000 એપ્રેન્ટિસોની ભરતી કરવાનું સુચારુ આયોજન ગોઠવાયાનું કલેકટર રેમ્યા મોહને વધુમાં જણાવ્યું  હતું. તો સમીક્ષા વીડિયો કોન્ફરન્સમાં ઉપસ્થિત સબંધિત અધિકારી, કર્મચારીગણને ડીપીટી વિગેરેએ આઇટીઆઇ, ગ્રેજયુએટ ડિગ્રી હોલ્ડરના સ્ટાઈપેન્ડોમાં ખાસ્સો ફર્ક હોવાનું જણાવતાં કલેક્ટર દ્વારા રાજ્ય તથા કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા ખાતરી આપી હતી.  વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા  વિકાસ અધિકારી પ્રભવ જોશી, પશ્ચિમ કચ્છ પોલીસવડા શ્રી ભરાડા, સીડીએચઓ ડો. પંકજ પાંડે, રોજગાર અધિકારી શ્રી પાલા, નાયબ પોલીસવડા શ્રી જેસ્વાલ, આરટીઓ શ્રી યાદવ, ડીઆઇસીના જીએમ શ્રી ડેર, ભુજ આઇટીઆઇના પ્રાચાર્ય શ્રી અપારનાથી, ડીપીટીના શ્રી સોલંકી, કારખાના મદદનીશ નિયામક શ્રી કીરી, ફોકિયાના રાધાબેન ઠક્કર, પ્રવાસનના શ્રી કાઠિયા, ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer