ઈન્ટરનેટ ક્ષતિના લીધે નલિયાની પોસ્ટ સેવા વારંવાર ખોડંગાય છે

નલિયા, તા.9 : અહીંની સબ પોસ્ટ આફિસને ઓનલાઈન સિસ્ટમથી સાંકળવામાં તો આવી છે પણ ઈન્ટરનેટ સેવા વારંવાર ક્ષતીગ્રસ્ત થતાં ગ્રાહકોને નાણાકીય જમા-ઉપાડમાં અસહ્ય મુશ્કેલી થાય છે. આ પોસ્ટ કચેરીમાં અપૂરતો અને અર્ધકુશળ સ્ટાફ હોવા ઉપરાંત સાંઘીપુરમ્ ખાતેની પોસ્ટ કચેરીને નલિયામાં ભેળવી દેવાતાં ઉપરોક્ત સમસ્યાને લઈને ગ્રાહકો પાયમાલ છે. ચેકબુક માટે એક મહિનાની ગ્રાહકોને પ્રતિક્ષા કરવી પડે છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, કિશાન વિકાસ પત્ર, માસિક બચત યોજના વગેરે યોજનાઓનાં નાણા ગ્રાહકોને પાકતી મુદ્દતે મળતાં નથી. દિવસોની પ્રતિક્ષા કરવી પડે છે. પોસ્ટ ઓફિસને ફીનાકલ ઓનલાઈન સિસ્ટમથી સાંકળવામાં આવી છે. પણ આ સિસ્ટમ અહીં સદ્દંતર નિષ્ફળ ગઈ છે. નલિયાની પોસ્ટ કચેરીમાં કોમ્પ્યુટર જાણકાર એક જ ક્લાર્ક છે. તે સિવાય કોમ્પ્યુટર ચલાવતા કોઈને આવડતું નથી. અબડાસાની નલિયા સબ પોસ્ટ કચેરી સાથે 30થી 40 જેટલા ગામો નાણાંકીય લેવડ-દેવડનાં ખાતા ધરાવે છે. વળી પોસ્ટની વિશ્વસનીયતા અને વ્યાજ બેંક કરતાં વધુ હોતાં લોકો પોસ્ટમાં રકમ રોકવા આકર્ષાય છે. પણ સેવાનાં નામે મીંડું હોતાં ગ્રાહકો ત્રાહિમામ છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer