ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખને ધમકી આપનારા સામે ગુનો નોંધવા વડગામના ધારાસભ્ય મેદાને

ભુજ, તા. 9 : કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સામતભાઇ મહેશ્વરીએ પોતાની જાનને જોખમ હોવાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા પછી તેની સચ્ચાઇ જાણવા ખુદ જિલ્લા ભાજપ તરફથી તેને બોલાવવાનો પ્રયાસ કરાય છે પણ તેઓ મળતા નથી, તેની વચ્ચે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગૃહમંત્રીને પત્ર લખી ધમકી આપનારા સામે ગુનો નોંધવા માગણી કરતાં એક નવો ચર્ચાનો વિષય બન્યો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેની વચ્ચે કચ્છની અનુ.જાતિ માટેની બેઠક અનામત છે. આવા સમયે સત્તાપક્ષ ભાજપના જ અનુ.જાતિ મોરચાના પ્રમુખને ખુદ પક્ષના જ આગેવાનો દ્વારા ધમકી મળી હોવાના બનાવથી ચકચાર જાગી છે. આજે જ્યારે આ મુદ્દે પક્ષના જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલનો સંપર્ક સાધ્યો તો તેમણે કહ્યું કે, પત્ર વાયરલ થયો હોવાની વાત સાચી છે, પરંતુ પત્ર સામતભાઇએ લખ્યો છે કે નહીં તે જાણવા સવારથી સંપર્ક ચાલુ છે પરંતુ તેઓ મળતા નથી. તેમણે કહ્યું કે, આજે પક્ષના પ્રદેશ મોવડીઓ કે.સી. પટેલ, રણછોડ દેસાઇ, વર્ષાબેન દોશી, રમેશ ચૌધરી, દિલીપભાઇ ઠાકોર સાથે બેઠક યોજી તેમાં પણ ચર્ચા થઇ અને તેમના નિવાસ તરા (મંજલ) ખાતે પણ તેમનો સંપર્ક કરાયો, છતાં સંપર્ક થઇ શક્યો નથી અને ફોન બંધ આવે છે. એટલે રૂબરૂ મળે તો જ સચ્ચાઇ શું છે તે જાણી શકાય, બાકી તો અલગ અલગ ધારણા-અફવાઓ ઉડયા કરે છે. અમારો સંપર્ક ચાલુ છે. મળ્યા પછી ખબર પડશે એમ તેમણે કહ્યું હતું. બીજી બાજુ વડગામના ધારાસભ્ય તથા દલિત અધિકાર મંચના સંયોજક શ્રી મેવાણીએ ગૃહમંત્રીને પત્ર લખી કહ્યું છે કે, ભાજપના અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી મહેશ્વરીએ પોતાની જાનને જોખમ હોવાની દહેશત બતાવી છે, આ બાબત ગંભીર છે.  ખુદ ભાજપના જ આગેવાનો તરફથી તેમને ધમકી અપાઇ છે ત્યારે કોઇના જીવનને જોખમ હોય તે ચલાવી ન લેવાય, તેમને રક્ષણ પૂરું પાડી ધમકી આપનારા સામે ગુનો દાખલ કરવાની તેમણે માગણી કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer