ભુજમાં દબાણો પર ગમે તે ઘડીએ તવાઇ

ભુજ, તા. 9 : સમગ્ર કચ્છ સાથે ભુજમાં ચાલતી ટ્રાફિક ઝુંબેશને પગલે લોકોમાં શિસ્ત આવ્યું છે અને આડેધડ ઉભનારા ધંધાર્થીઓ, પાર્ક થતા વાહનચાલકોને તંત્રની બીક લાગતી થતાં આમ નાગરિકો માટે ચાલવાનો માર્ગ મોકળો થતો દેખાતાં ખુશી અનુભવી રહ્યા છે અને કાયદાનો પાઠ આમ ને આમ ભણાવાતો રહે તેવી માંગ પણ ઊઠી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં દબાણકારો પર તવાઇ બોલાવવા તંત્ર દ્વારા જડબેસલાક આયોજન ઘડાઇ  રહ્યું છે. ભુજમાં એક તો પાર્કિંગ પ્લોટની કોઇ વ્યવસ્થા નથી અને તંત્રની કોઇને જાણે બીક જ ન હોય તેમ આડેધડ થયેલા દબાણોએ આમનાગરિકોને ચાલવા માટે જગ્યા પણ નથી રાખી ત્યારે તાજેતરમાં જ કલેકટર, પોલીસ, નગરપાલિકા, ભાડા વિ.ના સંયુકત આયોજન હેઠળ ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ રહી છે જેને પગલે દબાણકારોમાં ભય ચોક્કસ ફેલાયો છે અને માર્ગ પર આડેધડ ખડકાતા વાહનો પણ ક્યારે તંત્રની ઝપટે ચડી જશે તેવી વાહનમાલિકોને બીક લાગતી થઇ છે. જો કે, લોકોના માનસ પર એવી પણ છાપ છે કે, થોડા દિવસ નાટક હશે બાદમાં જૈસે થેની સ્થિતિ આવી જશે. જો કે, તંત્રમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આ તો હજુ ટ્રેલર જ હતું ફિલ્મ તો હજુ બાકી છે અને ટુંક સમયમાં દબાણકારો પર તંત્ર ધોંસ બોલાવશે તેવું જાણવા મળ્યું છે. આ અંગે સુધરાઇના મુખ્ય અધિકારી સંદીપાસિંહ ઝાલાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, શહેરમાં ટ્રાફિક અને શહેરીજનોને નડતરરૂપ કોઇ પણ દબાણકારોને બક્ષવામાં નહીં આવે. જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તે તમામ સ્થળોએ ઝુંબેશ હાથ ધરાશે. કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં નક્કી થયા મુજબ પોલીસ અધિકારીઓ સાથે નગરપાલિકા, ભાડા અને જરૂર જણાયે સિટી સર્વેની ટીમ પણ સાથે જોડાશે. આ ઉપરાંત જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક અને રિલાયન્સ સર્કલે ટ્રાફિકની સમસ્યા અવાર-નવાર સર્જાતી હોવાથી આ બન્ને સર્કલને નાના કરવાની વિચારણા ચાલી રહી છે. જ્યુબિલી સર્કલ મધ્યમાં ન હોવાથી સમસ્યા સર્જાય છે જેથી તેને તોડી નવેસરથી બનાવવા તેમજ મુંદરા રોડ પર આવેલું રિલાયન્સ સર્કલ મોટું હોવાથી તેને પણ નાનું કરવા વિચારણા ચાલી રહી છે. આ અંગે પૂરક વિગતો કારોબારી ચેરમેન ભરત રાણા તથા અરાવિંદાસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજાએ આપી હતી. લાંબા સમયથી શહેરમાં વિકાસ અને લોક સુવિધાના નામે બનતી ફૂટપાથ તો જાણે અલગ-અલગ ધંધાર્થીઓ માટે જ સુવિધા કરાતી હોય તેવો તાલ છે ત્યારે તેને ખાલી કરાવાય તેવી પણ લોક માંગ ઊઠી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer