અધૂરાશો અને ઊણપો થકી નલિયામાં નાગરિક સંરક્ષણની સેવાઓ ઠપ જેવી

નલિયા, તા. 9 : અબડાસાના આ મુખ્ય મથક ખાતે દાયકાઓથી કાર્યરત નાગરિક સંરક્ષણ કચેરીમાં અનેક અધૂરાશો-ઊણપોના કારણે નાગરિક સંરક્ષણ સેવાનો લાભ એ વિસ્તારનાં ગામડાઓને મળતો નથી. નલિયા ખાતે આ કચેરી ભાડાના મકાનમાં કાર્યરત છે. આ મકાન તદ્દન જર્જરિત છે. કચેરીમાં ફુલટાઈમ પી.આઈ. કક્ષાના ઈન્સ્ટ્રક્ટરની પોસ્ટ છે પણ આ જગ્યા પર ફુલટાઈમ અધિકારી નિમવામાં આવ્યા નથી. તાકીદના સમયે ગામડાઓને અવગત કરવા સાયરનો તો ગોઠવવામાં આવ્યાં છે પણ મરંમતની ગ્રાન્ટના અભાવે સાયરન બંધ છે. આમ તો નાગરિક સંરક્ષણના મુદ્દે ફાયર બ્રિગેટ (અગ્નિશમન સેવા) અનિવાર્ય હોય છે, પણ આવી કોઈ સુવિધા કચેરીમાં ઉપલબ્ધ નથી. જિલ્લા મેજિસ્ટ્રેટ કમ જિલ્લા નિયંત્રકને નાગરિક સંરક્ષણના ચીફ વોર્ડન વિનોદભાઈ જે. ઠાકરે પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, નલિયાની કચેરી માટેના વાહનનો ભુજમાં ઉપયોગ થાય છે. આ વાહનનો ઉપયોગ અંશકાલીન સમય માટે નલિયા ખાતે કરાય તેવી રજૂઆત સાથે આવેદનપત્રમાં જણાવ્યું છે કે, નાગરિક સંરક્ષણના વોલન્ટિયર્સને દૈનિક ભથ્થું માત્ર રૂા. 31 અપાય છે. તેમને લઘુતમ વેતન હેઠળ આવરી લેવા અથવા  હોમગાર્ડને મળે છે તેટલું કરવાની માગણી કરાઈ હતી. ઉપરાંત માનદ સભ્યોને ડ્રેસ મટીરિયલ્સ આપવા, નાગરિક સંરક્ષણ ખાતાની સંકલનની કામગીરી કરી શકાય તે હેતુથી તેમની મિટિંગ જિલ્લા મથકે રાખવા, નાગરિક સંરક્ષણ દિનની ઉજવણી તો કરાય છે, પરંતુ તેના પ્રચાર-પ્રસાર માટે કોઈ ગ્રાન્ટ ફાળવતી નથી, જેથી યોગ્ય ગ્રાન્ટ ફાળવવા માગણી સાથે જણાવ્યું હતું કે, અબડાસા એ સરહદી વિસ્તાર છે ત્યારે નાગરિક સંરક્ષણનું માળખું સુદ્દઢ   બનાવવા અનિવાર્ય હોવાની આવેદનપત્રમાં વિનંતી  કરાઈ છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer