સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ હમીરસર કાંઠો ગાજશે

ભુજ, તા. 9 : દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન તેમજ સમર્પણની ભાવના પેદા થાય તે માટે આગામી 72મા સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાએ 14મી ઓગસ્ટે ભુજમાં ત્રિરંગાયાત્રા સાથે હમીરસર તળાવના કાંઠે સમાપન સ્થળે દેશભક્તિનો માહોલ સર્જનારા સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિનાં ગીતોનો `યાદ કરો કુરબાની' કાર્યક્રમ યોજાશે.આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન કરવા જિલ્લા કલેક્ટર  રેમ્યા મોહનના અધ્યક્ષ પદે ભુજ ખાતે આયોજન મંડળના સભાખંડમાં આજે એક બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે વિવિધ વિભાગોને ત્રિરંગા યાત્રાના કાર્યક્રમ સંદર્ભે માર્ગદર્શન આપી મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ ઘડી કાઢવા સહિત સૂર્યાસ્ત પહેલાં રાષ્ટ્રધ્વજનાં સન્માનને ધ્યાને લઈ સમય ચુસ્તતા જાળવવા જણાવ્યું હતું. બેઠકમાં નક્કી થયા અનુસાર જ્યુબિલી ગ્રાઉન્ડથી ત્રિરંગા યાત્રામાં સૌથી આગળ પોલીસની ખુલ્લી જીપમાં રાષ્ટ્રધ્વજને સન્માન સાથે રાખીને પોલીસ બેન્ડ તેમજ 72 બાઈક ઉપર 144 યુવાનો ત્રિરંગા યાત્રામાં જોડાશે. તિરંગા સાથેના બાઈકસવારો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો બાઈકસવારીથી જોડાશે. આ ઉપરાંત પોલીસ સ્ટુડન્ટ, કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી તેમજ એનએસએસ સહિત સ્વામી વિવેકાનંદ યુવક મંડળ અને મહિલા મંડળના સભ્યો, નાગરિકો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ જોડાશે. આ ધ્વજ જમીનને ન અડકે તે જોવા સાથે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના નિયમનું સંપૂર્ણ પાલન કરવા જણાવાયું છે. ખુલ્લી જીપમાં રહેલા રાષ્ટ્રધ્વજનું ફૂલની પાંખડીઓ દ્વારા નાગરિકો સન્માન તેમજ પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, ક્રાંતિવીરો ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની તસવીરોથી તિરંગા યાત્રા સુશોભિત કરાશે. તિરંગા યાત્રા દરમ્યાન ડી.જે. વાન નક્કી કરેલા રૂટ ઉપર પાઈલોટિંગ કરીને જનજાગૃતિ સાથે દેશભક્તિનાં ગીતોનું સતત ગાન ચાલતું રહેશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, પશ્ચિમ વિભાગના પોલીસવડા એમ.એસ. ભરાડા, ભુજ પ્રાંત આર.જે. જાડેજા, ડીવાયએસપી જે.કે. જેસ્વાલ, ડીઈઓ રાકેશ વ્યાસ, ડીપીઈઓ સંજય પરમાર, રમતગમત અધિકારી રોહિતસિંહ પરમાર, મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલા સહિત કચ્છ યુનિવર્સિટી અને એનસીસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું માહિતી ખાતાની યાદીમાં જણાવાયું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer