કચ્છમાં મોંઘેરા મેઘરાજાની પધરામણી

કચ્છમાં મોંઘેરા મેઘરાજાની પધરામણી
ભુજ, તા. 17 : આષાઢી બીજ કોરી ધાકોડ રાખીને તથા ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રને જળબંબોળ કરીને કચ્છને નજરઅંદાજ કરી રહેલા મોંઘેરા મહેમાન સમા મેઘરાજાએ અંતે અષાઢ સુદ પાંચ, એટલે કે મંગળવાર પરોઢથી વાજતે-ગાજતે કચ્છમાં પ્રવેશ?કર્યો અને નાગરિકોના હર્ષનાદ ઝીલતાં-ઝીલતાં રાત સુધીમાં સચરાચર પગલાં માંડી દેતાં કાયમનો ચિંતિત કચ્છી માડુ ગેલમાં આવી ગયો છે. અધિક માસની આરાધના અને રમજાનના રોજા લેખે લાગ્યા તેવા ઉત્સાહપ્રેરક સંવાદો સાથે કચ્છે પાંચમના આષાઢી બીજ અનુભવી હતી અને ધરતીના ધણીથી ગદગદિત થયા હતા. ઘેરાયેલા ગગનમાંથી અનરાધાર, અઢળક ઢળે તો જ ધરા નવપલ્લવિત થાય તેવી આશમાં ને આશમાં આંખ્યું આકાશે ખોડી બેઠેલું કચ્છ પરોઢે નિદ્રાધીન હતું ત્યારે જ ભાગ્ય વિધાતા એવા મેઘરાજાએ વીજળીના કડાકા-ભડાકા અને પવનના સૂસવાટા સાથે ઝાપટાઓનો દોર શરૂ કર્યો હતો. જિલ્લા મથક ભુજમાં આ મેઘાગમન સાથે જ થોડો સમય વીજળી વેરણ થઇ હતી પણ બાદમાં આવી ગઇ અને કડાકા-ભુસાકા સાથે વરસાદ નોંધાતાં મંગળવારની રાત સુધીમાં 35 મિ.મી. પાણી વરસ્યું હતું. ધીંગાં ઝાપટાઓ આ આંકને હજુ વધારે તેવી શક્યતા છે. કચ્છ કલેક્ટર કચેરી હસ્તકના કન્ટ્રોલ રૂમમાં થયેલી નોંધ અનુસાર, વીતેલા 24 કલાક દરમ્યાન માંડવીમાં ત્રણ ઈંચથી વધુ 81 મિ.મી., ભુજમાં દોઢ ઇંચ 35 મિ.મી., ગાંધીધામમાં પણ એકથી દોઢ ઈંચ, અંજારમાં 19 મિ.મી., નખત્રાણામાં 17 મિ.મી., ભચાઉમાં 16, લખપત 8, મુંદરા 8 મિ.મી. અને અબડાસામાં રાત્રે આઠ વાગ્યાથી ભારે ઝાપટાઓનો પ્રારંભ થતાં સચરાચર મેઘ મહેરની આશા બળુકી બની છે. ચોવીસીમાં અડધાથી ત્રણ ઇંચ સામત્રામાં જાદવા વરસાણીના જણાવ્યા પ્રમાણે, ત્રણેક ઇંચ, રામપર-વેકરા પટ્ટીમાં લક્ષ્મણભાઇ છભાડિયાએ આપેલા વાવડ મુજબ સાડા ત્રણ, કેરા, બળદિયા, નારાણપર, દહીંસરા સુધી અડધો ઇંચ મેઘમહેરના સમાચાર પ્રાપ્ત થયા હતા. ગતરાત્રે વાદળો ઘટ્ટ થયાં પછી ટપ-ટપ ચાલુ થયું હતું. આખો દિવસ વાદળાં ગોરંભાયેલાં રહ્યાં પછી સાંજે ગિયર બદલતાં વરુણદેવે ઝાપટાં વરસાવ્યાં હતાં. સૂરજપરથી કરગરિયા રખાલ, લક્કી ડુંગર પર દોઢ ઇંચ પાણી વરસ્યું હતું, જ્યારે ગજોડ, ટપ્પર, બેરાજા, બાબિયા, વડઝર, જદુરા, ભારાપર, ઝુમખા, ચુનડીમાં પણ વરસાદી વાવડ પ્રાપ્ત?થયા હતા. સુખપર, ભારાસર, માનકૂવા, ગોડપર, મેઘપર અને દહીંસરામાં પણ ઝાપટાં વરસ્યાં હતાં. જુદાં-જુદાં અને પાસપાસેનાં ગામોમાં પણ પ્રમાણ ઓછું-વધુ હતું. ખાવડા ખુશ : પ્રતિનિધિ હીરાલાલ રાજદેના જણાવ્યાનુસાર, આજે સાંજે 4થી  6.30 સુધી ખાવડા ખાતે અઢી ઇંચ જેટલો વરસાદ થતાં લોકો, માલધારીઓ,?ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. ગઇરાત્રે 3 વાગ્યે પણ એક ઝાપટું ગાજવીજ સાથે થતાં આંગણામાં સૂતેલા લોકો સફાળા જાગીને ઘરોમાં ભાગ્યા હતા. છેલ્લા ત્રણેક દિવસથી સખત ઉકળાટ પછી સાંજે પહેલાં ભારે ઝાપટાં અને સાડા પાંચથી અત્યાર સુધીમાં 60 મિ.મી. વરસાદ નોંધાયો છે. ઉત્તર બાજુના ગામ ધ્રોબાણાથી પાણી પુરવઠાના જુસબ સમાના જણાવ્યાનુસાર, બે ઇંચ જેટલો વરસાદ થતાં તળાવ પણ લગભગ ભરાઇ ગયું છે. પૂર્વ તરફનાં જુણા, કુનરિયા, તુગા વિ. ગામોમાં પણ ગઇરાતે અને સવારે અડધા ઇંચ જેટલાના વાવડ છે, તો સાંજે મોબાઇલ ટાવર નહોતાં સંપર્ક થઇ શક્યો નથી. અંધૌથી અગ્રણી ઓસમાણ દિનાએ પણ વાવણીજોગ વરસાદના વાવડ આપ્યા, તો ખારીથી અગ્રણી ખીમાભાઇ આહીરે પણ સાંજવાળો વરસાદ ધમાકેદાર હોવાનું ખુશી સાથે જણાવ્યું હતું. પચ્છમ વિસ્તારમાં માલધારીઓની સંખ્યા વધી રહી છે. દૂધ ડેરીને લીધે ગાયો, ભેંસો ઘણી વધી ગઇ છે અને વરસાદ લંબાતાં તેમજ ઘાસની ગાંસડીના રૂા. 500થી 600 જેવા ભાવ થઇ જતાં લોકો ચિંતાતુર હતા અને લગભગ ત્રણેક નમાજ વરસાદ માટે પઢવામાં આવી હોવાની માહિતી મળી છે. ફઝલવાંઢથી ફઝલ અલીમામદ સમાએ પણ વરસાદના વાવડ આપ્યા હતા. પચ્છમનાં કુરન, સુમરાપોર, ધ્રોબાણા, કોટડા મોટામાં ચાર વાગ્યાથી વરસાદે હાજરી પુરાવી હતી. અંદાજે એકથી દોઢ ઇંચ પાણી પડયું હોવાનું મુસા સુમરાએ જણાવ્યું હતું. બન્નીનાં ભીરંડિયારા, વડલી, સાડઈ, હોડકો, સરાડા, ભીટારામાં એકથી સવા કલાક મેઘમહેર થઇ હોવાનું જણાવતાં અલીમામદ જુમા રાયશીએ માલધારીઓ માટે કાચું સોનું વરસ્યું હોવાનું જણાવ્યું હતું. વીજપુરવઠો ઠપ થઇ જતાં ગઇકાલ રાતથી હાલાકી ભોગવવી પડી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer