વિકલાંગતાને ભૂલીને ખુમારી સાથે જીવનની લડાઇ

વિકલાંગતાને ભૂલીને ખુમારી સાથે જીવનની લડાઇ
અશ્વિન જેઠી દ્વારા નખત્રાણા, તા. 17 : ધારો કે માણસના શરીરનું કોઇ અંગ ન હોય, જન્મથી કે જન્મ પછી કે કોઇ અકસ્માતમાં શરીરના કોઇ અંગ ગુમાવ્યા હોય તે વિકલાંગ કહેવાય અને હાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવા વિકલાંગોને દિવ્યાંગોનું નામ આપી માનવીય સંવેદના વ્યક્ત કરી છે ત્યારે આવો જ એક પાટીદાર સમાજનો વિકલાંગ પરિવાર જિંદગીની લડાઇ લડતાં પોતાનો સંસારરથ ચલાવે છે. આ દિવ્યાંગ દંપતીનું નામ છે કવિતાબેન કમલેશ રામાણી. આ દંપતીની કહાની પણ અનોખી છે. આ પરિવાર આમ તો કોટડા-જ.નો છે પરંતુ હાલે નખત્રાણા રહે છે. આ અંગે કચ્છમિત્ર સાથે વાત કરતાં કમલેશ રામાણીએ કહ્યું હતું કે, જન્મ સમયે તેઓ બરોબર હતા પરંતુ  છ વર્ષની ઉંમરે તેઓને બે પગમાં પોલિયો થઇ જતાં વિકલાંગ બન્યા છે. તો સાથે તેમના પત્ની કવિતાબેન પણ બરોબર હતા. આ કવિતાબેનનો પરિવાર ધંધાર્થે બેંગ્લોર રહેતો હતો. એક દિવસ કવિતાબેનનો નાનો ભાઇ બેંગ્લોરમાં પોતાના મકાનના ધાબા પર પતંગ ઉડાવતો ત્યારે પતંગ જીવતા વીજવાયરમાં અટવાયો હતો ત્યારે પોતાના ભાઇનો પતંગ વીજવાયરમાંથી કાઢવા લોખંડના પાઇપ વાટે જ્યારે પતંગ કાઢવા જતાં વીજવાયરના સંપર્કમાં આવતાં શોર્ટ લાગતાં બે હાથ ગુમાવ્યા હતા. હવે યુવાનીમાં પ્રવેશતા આ બન્ને પાત્રો એકબીજાના સંપર્કમાં આવ્યા તેમજ બંને વચ્ચે પ્રેમ પાંગરતાં બંનેએ લવમેરેજ કર્યા હતા. હાલે આ દંપતી જિંદગીની લડાઇ લડી રહ્યું છે. પોતાનો સંસાર ચલાવી રહ્યું છે. હવે વાત કરીએ કવિતાબેનની. ભલે કુદરતે બે હાથ લઇ લીધા તેમ છતાં ઘરકામ બખૂબીથી કરે છે. તમને જાણીને નવાઇ લાગશે આ કવિતાબેન જે ઝડપથી ઘરમાં રોટલી બનાવે છે તે ઝડપથી કોઇ ગૃહિણી પણ ન બનાવી શકે. તો અંગ્રેજી ભાષા પર પણ એટલું જ પ્રભુત્વ છે. બે હાથેથી સરળ રીતે અંગ્રેજી લખવાની સાથે કોમ્પ્યુટરના પણ માસ્ટર છે. તો સિલાઇ, પેઇન્ટિંગ પણ સારી જાણે છે. સિલાઇથી પણ રોજીરોટી મેળવે છે. તો કમલેશભાઇ પણ મકાનના નકશા-ડ્રાફટિંગનું કામ કરી રોજીરોટી મેળવે છે. કમલેશભાઇની ઇચ્છા એવી છે કે રાજ્ય સરકાર દ્વારા બેમાંથી એકને પણ સરકારી નોકરી મળે તો ભયોભયો. તો સાથે તેમની પાસે ઢગલાબંધ ક્લોફિકેશનના સર્ટિફિકેટો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer