કચ્છના રેલવે પાયલોટોએ આદરી 48 કલાકની ભૂખ હડતાળ

કચ્છના રેલવે પાયલોટોએ  આદરી 48 કલાકની ભૂખ હડતાળ
ગાંધીધામ, તા. 17 : રેલવે માર્ગે પ્રવાસીઓને ગંતવ્ય સ્થાને પહોંચાડનારા રેલવેના પાયલોટોની માગણીઓ અંગે અનેક વખત આંદોલનો કર્યા છતાં કોઇ નિવેડો ન આવતાં દેશભરના રનિંગ સ્ટાફની સાથે ગાંધીધામના પાયલોટો દ્વારા પણ આજથી 48 કલાક સુધી ભૂખ હડતાળનો આરંભ કરાયો છે. રનિંગ એલાઉન્સ કમિટી 1980ના નિર્દેશ મુજબ કિલોમીટર ભથ્થું નક્કી કરવામાં બિનજરૂરી વિલંબ, 7-1-2016 કે તે પહેલાં નિવૃત્ત થયેલા રનિંગ સ્ટાના પગાર નક્કી કરવામાં વિસંગતતા સહિતના મુદે અગાઉ પણ રનિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી પહેરી વિરોધ કરાયો હતો. ત્યારે હજુ સુધી પડતર માગણીઓ અંગે નિવારણ ન થતાં ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિયેશન દ્વારા 48 કલાકની ભૂખ હડતાળનું એલાન કરાયું હતું. આ એલાન અંતર્ગત ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે 440 જેટલા રનિંગ સ્ટાફે ભૂખ્યા રહી કાર્ય કર્યું હતું. રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર પાસે હેડકવાટરમાં રહેલા 50થી 60 જેટલા પાયલોટ સહ પાયલોટો ભૂખ હડતાળમાં જોડાયા હતા જ્યારે 80 જેટલી માલગાડી અને ગાંધીધામ આવતી જતી 20 જેટલી પેસેન્જર ટ્રેનના પાયલોટો આસિટિન્ટ પાયલોટોએ ભૂખ્યા રહી ટ્રેન દોડાવી હતી. 19-7ના સવારે 9 વાગ્યે ભૂખ હડતાળ પૂરી થશે. રેલવે સ્ટેશન પરિસર ખાતે ભૂખ હડતાળની શરૂઆત થઇ તે સમયે બાલકિશન એલ. સુમન કુમાર, બાહીદ બરન, નરસિંહ ચપરાના, રાજેશ આર, મુનીરામ લીના, વિજય વિશ્વ કર્મા, રામહરી બીની, સહિતનો રનિંગ સ્ટાફ જોડાયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer