લખપત તાલુકા પંચાયતની કારોબારી અને સા.ન્યાય સમિતિના સભ્યો વરાયા

લખપત તાલુકા પંચાયતની કારોબારી  અને સા.ન્યાય સમિતિના સભ્યો વરાયા
દયાપર (તા. લખપત), તા. 17 : તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ નિયુક્તિ થયા બાદ કોંગ્રેસે આ બાબતને પડકારી હાઇકોર્ટનું શરણું લીધું છે, ત્યારે આજે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પણ તેની ગુંજ સંભળાઇ હતી. કોંગ્રેસના સદસ્યોએ તમામ ઠરાવોનો વિરોધ નોંધાવ્યો હતો. તા.પં. પ્રમુખ નૂરબાઇ હાસમ મંધરાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કારોબારી ન્યાય સમિતિના સભ્યોની નિયુક્તિ અંગે વિક્રમસિંહ સોઢા અને હાજી હાસમછા સૈયદની દરખાસ્તને હાજી મામદ આમન સોતા તથા કલા ભારા રબારીએ ટેકો આપ્યો હતો, પરંતુ કોંગ્રેસના સભ્યોએ હાઇકોર્ટનો આદેશ, તપાસની વાત આગળ ધરી વિરોધ નોંધાવ્યો હતો અને પ્રમુખ હાલમાં બેઠક બોલાવી શકે નહીં તેવી દલીલો રાખી હતી. કોંગ્રેસના જિલ્લા પં. સદસ્ય હઠુભા સોઢા, તા.પં. પૂર્વ પ્રમુખ નીતાબેન જોષી, પૂર્વ ઉપપ્રમુખ સમરતદાન ગઢવી વિગેરેએ બેઠકમાં જોરદાર વિરોધ કરેલો. કોંગ્રેસે કહ્યું હતું કે અમારા વ્હીપનો અનાદર કરેલ સભ્ય ગેરલાયક ઠરતો હોય તેની સામે કાર્યવાહી વચ્ચે આજની બેઠક ન્યાયિક નથી. લોકશાહીના કલંકરૂપ ગણાવીને કોંગ્રેસે કાળી પટ્ટી ધારણ કરી સતત વિરોધ ચાલુ રાખ્યો હતો. તાલુકા વિકાસ અધિકારી વજેસિંહ પરમાર વિગેરે તમામ ઠરાવો 9/7ની બહુમતીથી ઊંચો હાથ કરાવી બહાલી અપાવી હતી. ભાજપ તરફે 9 જ્યારે કોંગ્રેસ તરફે 7 મતોથી બહાલી અપાઇ હતી. તા.પં. શાસક પક્ષના પૂર્વ નેતા પી. સી. ગઢવીએ કહ્યું હતું કે હાઇકોર્ટે કમિશનર (રાજ્ય) પાસે આ બાબતે તપાસ માગી છે અને 23/7 સુધી ખુલાસો કરવા જણાવાયું છે, ત્યારે આ બેઠક યોજવી કેટલા અંશે વાજબી છે ? ભાજપે બહુમતીથી તાલુકા પંચાયતના બે ઠરાવને બહાલી આપી હતી. તો હવે ટૂંક સમયમાં જ કારોબારી ચેરમેન તથા ન્યાય સમિતિના ચેરમેનની નિયુક્તિ થશે અને હાલમાં કારોબારી ચેરમેન તરીકે બરંદા બેઠકના ભાજપના વિજયી ઉમેદવાર કાઉબાઇ ગાભા રબારીને હોદ્દો સોંપી રબારી સમાજનું હૃદય જીતવા માગે છે. તો ન્યાય સમિતિના ચેરમેન પુન: બુધાભાઇ મહેશ્વરી કે જેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે તેમને જ આ પદ પાછું સોંપે તેવું મનાઇ રહ્યું છે. સભાની શરૂઆતમાં નારાયણસરોવર જાગીરના અધ્યક્ષ પૂ. આનંદલાલજી મહારાજ, સરપંચ સામજીભાઇ મહેશ્વરી, ઘડુલીનાં બે બાળકો જે હાલમાં જ અકસ્માતનો ભોગ બન્યા હતા તેઓને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer