ગાંધીધામ-અંજાર-આદિપુરમાં મેઘમહેર

ગાંધીધામ, તા. 17 : અત્યાર સુધી શહેરમાં છુટાછવાયા અમીછાંટણાથી ગાંધીધામવાસીઓને સંતોષ?માનવો પડયો હતો, પરંતુ ગત રાત્રિથી આજે બપોર સુધી મેઘરાજાએ ધીમી ધાર સ્વરૂપે તો ક્યારેક ભારે ઝાપટાં સ્વરૂપે સતત હાજરી પુરાવી ગાંધીધામ-આદિપુર સંકુલ પર હેત વરસાવ્યું હતું. મેઘરાજાએ ખાતું ખોલી દોઢ?ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો. શહેરમાં ગઇકાલ સાંજથી જ વરસાદી માહોલ જામ્યો હતો અને એકાદ હળવું ઝાપટું વરસાવ્યું હતું, પરંતુ મધરાત્રિથી ગાંધીધામમાં જામેલા મેઘાવી માહોલથી આખરે ચોમાસાની મોસમનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. રાત્રિથી સવાર સુધી ગાજવીજ સાથે ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ભારે ઝાપટાં સ્વરૂપે સતત હાજરી પુરાવતાં વહેલી સવાર સુધી ગાંધીધામ-આદિપુરના માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં. શહેરના નીચાણવાળા વિસ્તાર ભારતનગરમાં તો સવાર સુધી નોંધપાત્ર પાણીનો ભરાવો થયો હતો. મધરાત્રિથી જારી રહેલો મેઘાવી માહોલ સવારથી સાંજ સુધી યથાવત રહ્યો હતો. સવારે ઝરમર વરસાદ વચ્ચે 11.30થી 12.30 વાગ્યા દરમ્યાન વરસાદની હેલી સતત જારી રહી હતી. શહેરના ચાવલા ચોક, મુખ્ય બજાર સહિતના માર્ગો પર જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. મેઘરાજાની એન્ટ્રીથી ગાંધીધામની મુખ્ય બજારમાં ચાલતા પેવરબ્લોકના કામના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ઝંડા ચોક પાસે વરસાદી નાળાં બંધ કરી જૂના પેવરબ્લોક કાઢી નખાયા હતા. પાણીનો નિકાલ જ ન હોવાના કારણે ઝંડા ચોકની દુકાનો આગળ વ્યાપક પાણી ભરાતાં લોકોને દુકાનો સુધી જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. સદનસીબે એકધારો વરસાદ ન પડવાથી પાણીનો ભરાવો થયો ન હતો. નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ રાબેતા મુજબ સર્જાઇ હતી. બેંકિંગ સર્કલ પાસે રાખેલી કચરાપેટીની આસપાસ પાણીના ભરાવાના કારણે ભારે ગંદકી સર્જાઇ હતી. અલગ અલગ સ્થળે પડેલાં ઝાપટાંમાં પણ બેંકિંગ વિસ્તારમાં ચારેતરફ પાણી ભરાયાં હતાં. મામલતદાર કચેરી સ્થિત કંટ્રોલ રૂમમાં ગત રાત્રિથી આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 32 એમ.એમ. વરસાદ નોંધાયો હતો. આખરે મેઘરાજાની એન્ટ્રી થતાં સંકુલના રહેવાસીઓ આનંદિત થઇ ગયા હતા. અંજાર આનંદિત અંજારથી રશ્મિન પંડયાના હેવાલ અનુસાર આજે પરોઢથી જ વરસાદી માહોલ વચ્ચે હળવા-ભારે ઝાપટાં શરૂ થયાં હતાં. ભારે ગાજ-વીજ સાથે આખા દિવસ દરમ્યાન વરસાદ થતાં 19 મિ.મી. વરસાદ નોંધાયો હતો. અગાઉ થયેલા વરસાદ સાથે સિઝનનો કુલ્લે વરસાદ પ7 મિ.મી. (2 ઈંચથી વધુ) થયો છે. આજે દિવસ દરમ્યાન વરસાદી ઝાપટાં થતાં શહેરની બજારોમાં શાંતિ હતી. વરસાદથી શહેરના માર્ગો પર પાણી વહ્યાં હતાં. તળાવોમાં ધીમી ગતિથી વરસાદનાં નવાં નીર આવ્યાં હતાં. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદી માહોલ વચ્ચે હળવા-ભારે ઝાપટાં સ્વરૂપે વરસાદ નોંધાયો હતો. તાલુકાના સતાપર, વરસામેડી, અજાપર, સાપેડા, નાગલપર મધ્યે વરસાદી ઝાપટાં સ્વરૂપે વરસાદ થતાં ખુશીનો માહોલ છવાયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer