શિકરા પાસે કાર ઊથલતાં વડોદરાની મહિલાનું મૃત્યુ જ્યારે પિતા અને બહેન બન્યા જખ્મી

શિકરા પાસે કાર ઊથલતાં વડોદરાની મહિલાનું  મૃત્યુ જ્યારે પિતા અને બહેન બન્યા જખ્મી
ગાંધીધામ, તા. 17 : ભચાઉ તાલુકાના શિકરા ગામના વળાંક નજીક શિવમંદિર પાસે કાર પલટી જતાં કારચાલક વડોદરાના મહિલા અમિતાબેન વિપુલ પટેલ (ઉ. વ. 30)નું મોત થયું હતું જ્યારે તેમના પિતા અને નાની બેનને ઇજાઓ પહોંચી હતી, તો બીજી બાજુ રાપરના કીડિયાનગરમાં બાઇક સ્લિપ થતાં કુંભારિયાના જ્યોતિબેન વિક્રમ સાધુ (ઉ. વ. 25) નામના મહિલાનું મોત થયું હતું અને તેમની પતિને ઇજાઓ પહોંચી હતી. વડોદરામાં રહેનારા અમિતાબેન તથા તેમના પિતા શાંતિલાલ પ્રેમજી પટેલ (ઉ. વ. 55) અને નાની બેન શીતલ (ઉ. વ. 28) આજે સવારે નખત્રાણા તાલુકાના નાગલપર ખાતે લૌકિકક્રિયા અર્થે આવી રહ્યા હતા. દરમ્યાન તેમને આજે બપોરે 1 વાગ્યાના અરસામાં શિકરા ગોલાઇ શિવમંદિર નજીક અકસ્માત નડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, કાર નંબર જી.જે. 06-જે.એમ. 0800વાળી પલટી જતાં કારચાલક અમિતાબેનને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી, જેમાં તેમનું મોત થયું હતું. જ્યારે તેમના પિતા અને નાની બેનને ઇજાઓ થતાં બંનેને સારવાર અર્થે ખસેડાયા હતા. દરમ્યાન આ અંગે કુંભારિયા સરપંચ શક્તિસિંહ જાડેજાએ કહ્યું હતું કે, શિકરા-કુંભારડી વચ્ચેની ગોલાઇ અતિ ખરાબ હોઇ તાત્કાલિક મરામત થાય, કારણ કે આ સ્થળે વારંવાર અકસ્માત સર્જાય છે. બીજીબાજુ વધુ એક જીવલેણ બનાવ કીડિયાનગર નજીક બન્યો હતો. કુંભારિયામાં રહેનાર વિક્રમ અમૃતલાલ સાધુ (ઉ. વ. 25) અને તેમના પત્ની જ્યોતિબેન કુંભારિયાથી કીડિયાનગર કોઇ કામ અર્થે જઇ રહ્યા હતા. દરમ્યાન કીડિયાનગર નજીક તેમનું બાઇક નંબર જી.જે. 12-ડી.એલ. 4896વાળું સ્લિપ થઇ જતાં મહિલાને ગંભીર પ્રકારની ઇજાઓનાં પગલે તેનું મોત થયું હતું, જ્યારે તેમના પતિને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer