ભુજમાં કુમાર છાત્રાલયને પુન: શરૂ કરવા આયોજન ઘડાયું

ભુજમાં કુમાર છાત્રાલયને પુન: શરૂ કરવા આયોજન ઘડાયું
ભુજ, તા. 17 : અહીંના લાલ ટેકરી ખાતે ગુરુદ્વારા નજીક સાર્વજનિક કુમાર છાત્રાલયમાં વીતેલા વર્ષમાં દલિત તેમજ અન્ય આર્થિક નબળા વર્ગોના 6000થી પણ વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી ગયા છે. ભૂકંપ પછી ગ્રાંટ બંધ થઇ જવા સહિતના કારણે છાત્રાલય બંધ?હતું, જેને પગલે સમાજના અનેક વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા છીનવાઇ ગઈ હતી. આ છાત્રાલયને પુન: ચાલુ કરવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને કચ્છભરનાં વિવિધ?પરગણાના મેઘવંશી સમાજના અગ્રણીઓની મિટિંગ છાત્રાલય ખાતે મળી હતી. સમાજને શૈક્ષણિક સુવિધાઓની તાતી જરૂરિયાત છે. ભુજમાં 8થી 12 ધો.ના અભ્યાસ માટે એક પણ છાત્રાલય ન હોવાને કારણે હાલાકી ભોગવવી પડે છે. વાલીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ઘણા વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દે છે. 80 જેટલા વિદ્યાર્થીઓને સમાવી શકે તેવું આ છાત્રાલય પુન: ચાલુ કરવા હરિજન સેવક સંઘ-કચ્છના પ્રમુખ?રમેશ ભટ્ટીના અધ્યક્ષસ્થાને મિટિંગમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપરાંત મેઘવાળ સમાજનાં વિવિધ પરગણાઓના સામાજિક,રાજકીય અગ્રણીઓ સહિત આશરે 110થી વધુ લોકો જોડાયા હતા. ટ્રસ્ટીઓ વિશ્રામ વાઘેલા, પૂનમભાઇ મકવાણાએ હાલની પરિસ્થિતિ વિશે છણાવટ કરવા સાથે સાર્વજનિક કુ. છાત્રાલય ભુજ અને ઠક્કરબાપા વિદ્યાર્થી આશ્રમ-અંજારનાં છાત્રાલયોને વહેલી તકે ચાલુ કરવા માટે કચ્છનો મેઘવાળ સમાજ સક્રિય થઇ જરૂરી મદદ કરે તેવી ટહેલ નાખી હતી. કચ્છ હરિજન સેવક સંઘ સંસ્થાને મજબૂત કરવા માટે આશરે 40 જેટલા લોકોએ સભ્ય તેમજ દાતા તરીકે જોડાવા સંમતિ દર્શાવી હતી. વિદ્યાર્થીઓને રહેવા માટે આવાસ, સ્નાનગૃહ વિ.ને જરૂરી રિનોવેશન કરવા દાન-ભંડોળ એકત્ર કરવા નક્કી કરાયું હતું. ભુજના પોશ એરિયા લાલ ટેકરી ખાતે 75 વર્ષ જૂની અને કિંમતી જમીન પર ભૂમાફિયાઓ અને જમીન દલાલોની નજર હોય તેવું સમાજના ધ્યાને આવ્યું છે. જો આવાં તત્ત્વો પ્રયાસો બંધ નહીં કરે તો તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવા મિટિંગમાં ચર્ચા કરાઇ હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ દિનેશભાઇ મારવાડા, વસંતભાઇ વાઘેલા (સદસ્ય-જિ.પં.), ગાભુભાઇ વણકર, અરવિંદભાઇ મહેશ્વરી (સ.ક. અધિકારી), ધર્મેન્દ્રભાઇ ગોહિલ, ડી.એલ. મહેશ્વરી, નરશીભા વાઘેલા, લખમશીભાઇ યાદવ, જયંતીલાલ વાઘેલા, મહેશભાઇ બગડા, માનસંગ- ભાઇ સોલંકી, મેમાભાઇ?ચૌહાણ, અરવિંદભાઇ વાઘેલા, નાગજીભાઇ વાણિયા, પ્રેમજી મંગરિયા, રાણાભાઇ મેરિયા સહિતનાઓએ માર્ગદર્શન આપી રજૂઆતો કરી હતી. કચ્છના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક પહેલ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળમાં જોડાવા માટે અને વધુ જાણકારી માટે ટ્રસ્ટના પ્રમુખ રમેશ ભટ્ટી-99782 20515 અને દિનેશભાઇ મારવાડા-98252 72177નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer