ખારીરોહર ગામના સરપંચપદે પુન: એ જ મહિલા ચૂંટાયાં

ખારીરોહર ગામના સરપંચપદે  પુન: એ જ મહિલા ચૂંટાયાં
ગાંધીધામ, તા. 17 : તાલુકાનાં ખારીરોહર ગામમાં તત્કાલીન મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત બાદ પુન: ચૂંટણી થઇ હતી, જેમાં ગામલોકોએ પુન: પુરબાઇ રવિ બડિયાને વધુ મત આપીને તેમને વિજયી બનાવ્યાં હતાં. ખારીરોહરનાં મહિલા સરપંચ પુરબાઇ બડિયા વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી જે મંજૂર થયા બાદ મહિલા સરપંચને પોતાનો હોદ્દો ગુમાવવાનો વારો આવ્યો હતો. દરમ્યાન ગત તા. 15-7ના આ અંગે પુન: ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીમાં ગામના પાંચ બૂથ ઉપર પાંચ ઇ.વી.એમ. દ્વારા મતદાન થયું હતું. જેમાં 4877 પૈકી 1453 લોકોએ પોતાના મતનો ઉપયોગ કર્યો હતો. આજે આ ચૂંટણીના મતોની ગણતરી કરવામાં આવી હતી જેમાં પુરબાઇ બડિયાને બૂથ-1માં 339, બૂથ-2માં 387, બૂથ-3માં 184, બૂથ-4માં 166 અને બૂથ નં.-5માં 111 એમ કુલ 1187 મત મળ્યા હતા. જ્યારે તેમના હરીફ મોંઘીબેન પચાણ ખોખરને પાંચ બૂથ ઉપર 230 કુલ મતો મળ્યા હતા. આમ ગ્રામ પંચાયતના સભ્યોએ આ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી જ્યારે ગામલોકોએ આ મહિલા સરપંચમાં વિશ્વાસ બતાવીને તેમને જીતાડયા હતા. મતગણતરી વેળાએ તાલુકા પંચાયતના નવીનભાઇ ચૌહાણ, નાયબ મામલતદાર જાવેદભાઇ સિન્ધી, વૈભવ વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer