ભુજના રેલવે સ્ટેશને શેડમાંથી પાણીના ધોરિયાથી પ્રવાસીઓ હેરાન

ભુજ, તા. 17 : અહીંના રેલવે સ્ટેશનના શેડ પરથી પાણી ઝરતાં સાધારણ વરસાદમાં જ પ્રવાસીઓને મુશ્કેલીમાં મૂકી દીધા હતા અને લોકોને વરસાદથી સામાન બચાવવો કે પોતે ભીંજાય નહીં તે માટે સુરક્ષિત સ્થાન ગોતવાની ફરજ પડી હતી. હજારો પ્રવાસીઓના આવાગમનના સ્થાન એવા ભુજના રેલવે સ્ટેશને નખાયેલા શેડ પરથી વરસાદી પાણીના ધોરિયા પડતાં પ્રવાસીઓ હાલાકીમાં મુકાયા હતા. સમગ્ર સ્ટેશન પાણી-પાણી થતાં લોકોને સામાન ક્યાં સાચવવો અને પોતે ક્યાં ઊભવું તે માટે રીતસરનાં ફાંફાં મારવાં પડયાં હતાં. અનેક લોકોના સામાન પલળી જવાની ફરિયાદ પણ ઊઠી હતી. એક તરફ કચ્છને પ્રવાસન ક્ષેત્રે વેગ આપવા કરોડોના ખર્ચે વિકાસ કરાઇ રહ્યો છે ત્યારે વિકાસનાં કાર્યોમાં આવાં છીંડાંને પગલે પ્રવાસીઓ કચ્છની ખોટી છાપ લઇને જતા હોય છે તેવું જાગૃતોએ રોષભેર જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer