અબડાસામાં કાર્ડધારકોને ભારે હાડમારી

નલિયા (તા. અબડાસા), તા. 17 : વાજબી ભાવની દુકાનો પર જાહેર પુરવઠા વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા અનાજ મેળવવા કૂપન મેળવ્યા પછી જ માલ મળે છે, પણ ઇન્ટરનેટ આધારીત આ વ્યવસ્થા ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ વારંવાર ક્ષતિગ્રસ્ત બનવાની સાથે સ્પીડ ઓછી મળતાં ગ્રામ્ય વિસ્તારમાં પુરવઠા વિતરણ વ્યવસ્થા હેઠળનું અનાજ અને ચીજવસ્તુ મેળવવા રાશનકાર્ડધારકોને નાકે દમ આવી જાય છે. સર્વર ખામીના કારણે અંગૂઠાની છાપ ન આવતાં કૂપન મેળવવા લોકોને બે થી ત્રણ ધક્કા ખાવા પડે છે. વાજબી ભાવની દુકાન પરથી હાલે પ્રતિ માથાદીઠ સાડાત્રણ કિ.ગ્રા. ઘઉં, દોઢ કિ.ગ્રા. ચોખા, અનુક્રમે રૂા. બે અને ત્રણ કિ.ગ્રા.ના ભાવે અપાય છે. તો માથાદીઠ ખાંડ 350 ગ્રામ રૂા. 22ના ભાવથી અપાય છે, તો બી.પી.એલ.ધારકને ખાંડ રૂા. 15ના ભાવથી અપાય છે પણ આ ચીજ-વસ્તુ મેળવવા કાર્ડધારકોને કલાકોની પ્રતીક્ષા કે પછી દિવસોની પ્રતીક્ષા પછી માંડ-માંડ કૂપન નીકળે ત્યારબાદ માલ મળે છે. અબડાસાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓ બુટ્ટા, ઐડા, ગોયલા, જંગડિયા, લાલા, સિંધોડી સહિત અનેક ગામોમાં ઇન્ટરનેટ સર્વરની ખામીના પગલે રાશનકાર્ડધારકો ત્રાહિમામ છે. વળી ગામડાઓમાં વીજળી પુરવઠાની અનિયમિતતાના પગલે નેટ ચાલુ હોય ત્યારે વીજળીના અભાવે પુરવઠો મળતો નથી. આમ તો વાજબી ભાવની તમામ દુકાનો પર પુરવઠા વિતરણ વ્યવસ્થા હેઠળની ચીજ- વસ્તુઓનો જથ્થો દુકાનદારને પાંચમી તારીખથી વિતરિત કરવાનો હોય છે. પણ અબડાસામાં ઉપરોક્ત મુશ્કેલી સર્જાતાં હજી અડધો જથ્થો પણ માંડ વિતરિત કરી શકાયો છે. કૂપન ન નીકળવાના કારણે દુકાનદાર અને રાશનકાર્ડધારક વચ્ચે અવાર-નવાર માથાકૂટ થાય છે. આ અંગે અબડાસા ફેરપ્રાઈઝ શોપ એસોસિયેશનના પ્રમુખ વિનોદભાઇ જે. ઠાકરે જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી અબડાસામાં ક્ષતિગ્રસ્ત બનેલી ઇન્ટરનેટ સેવાઓ નિયમિત બને તેવી વ્યવસ્થા ગોઠવવાની માગણી સાથે આવતા મહિને આવતા તહેવારો દરમ્યાન વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બને તેવી વ્યવસ્થા ગોઠવવા માગણી કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer