તમામ ખાતાં-ખેતીની આવક ઉપર આઇ.ટી.ની નજર

ગાંધીધામ, તા 17 : દેશના વિકાસમાં આવકવેરાની આવકનું પ્રદાન છે ત્યારે નાગરિકો નિયમ મુજબ વેરા ભરે છે કે નહીં તેના ઉપર હવે આવકવેરા વિભાગની બાજનજર છે. અલબત્ત પ્રશાસને અભિગમ બદલ્યો છે અને લોકોમાં તંત્રના ડરને બદલે લોકોને સેવા આપનારા વિભાગ તરીકેની તેની ઓળખ ઊભી થાય તે દિશામાં પ્રયત્નો શરૂ કરાયા છે. આવકવેરા વિભાગના સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેતીની આવક સંપૂર્ણ કરમુક્ત છે પરંતુ ઘણા મોટા ઉદ્યોગગૃહો ઉદ્યોગ અને ખેતી બંને કરતા હોય તો તેવા કિસ્સામાં ખેતીની આવકની ક્રૂટીની હાથ ધરાય છે. તમામ કરદાતાઓના હિસાબો, બેંકોના વ્યવહાર, જંત્રી મુજબની ઓછી સ્ટેમ્પ ડયૂટી, બેનામી મિલકતો, રિટર્નમાં દર્શાવાયેલી માહિતી વગેરે ડેટા પેન નંબરને આધારે આવકવેરાના કેન્દ્રીય સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર, બેંગ્લોર ખાતે એકત્ર થાય છે. જ્યાં જુદા જુદા માપદંડના આધારે ક્રૂટીની કરાય છે. આ માપદડોમાં કરદાતાનું ટર્નઓવર, રિફંડની રકમ, કેપિટલમાં વધારો, અનસિકયોર્ડ લોન, જનરલ પ્રોફિટ, નેટ ગ્રોથ પ્રોફિટ વગેરેના આધારે કરદાતાની કુંડળી તૈયાર થાય છે. આવા કેસો પૈકી શંકાસ્પદ જણાતા કેસોની વધુ તપાસ દરેક આવકવેરા કચેરીમાં નિયુક્ત અધિકારીઓને સીધી બેંગ્લોરથી જ સોંપી દેવાય છે. રિટર્ન ભરવામાં મદદરૂપ થવું, વેપારીઓને સમયસર રિટર્ન ભરવા સમજાવવા, આવકવેરા અંગે જાગૃતિ લાવવા શાળાએ શાળાએ જવું વગેરે અંતર્ગત આવકવેરા વિભાગ સેમિનાર દ્વારા કરદાતા સુધી પહોંચી રહ્યો છે. તંત્રથી ડરને બદલે આ રીતે કરદાતાની સેવા દ્વારા સર્વિસ પ્રોવાઇડર તરીકેની ઓળખ ઊભી કરાઇ રહી છે. આમ છતાં કરદાતાના દરેક વ્યવહાર ઉપર નજર તો રખાઇ જ રહી છે. કોઇ મોટી ઊલટફેર ધ્યાનમાં આવે તો નોટીસ આપીને કરદાતાને બોલાવાય છે. થોડા સમય પહેલાં ઓડિટર જનરલ (એ.જી.)એ માત્ર ખેતી ઉપર જ આવકવેરા વિભાગનું ઓડિટ કર્યું હતું અને જે કંઇ કામગીરી થઇ હતી તેને ચકાસી હતી, તેવું આવકવેરા વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer