ગાયોના ચારા મુદ્દે મુંદરા એરપોર્ટમાં ઘૂસી ધાકધમકી સાથે તોડફોડ કરાઇ

ભુજ, તા. 17 : ગાયોને ચારો આપવાનું બંધ થવાના મામલે રોષે ભરાયેલાં મુંદરા તાલુકાના ગોયરસમા ગામના ત્રણ શખ્સે ગામની નજીક આવેલા મુંદરા એરપોર્ટ ખાતે જઇને ધાકધમકી સાથે તોડફોડ કરી હોવાનો મામલો બહાર આવ્યો છે. કાચમાં તોડફોડ દરમ્યાન દિલુભા દેવાજી જાડેજા (ઉ.વ.28)ને જમણા હાથે ઇજાઓ થતાં તેને વધુ સારવાર માટે ભુજ ખસેડાયો છે. ગોયરસમા ગામની સીમમાં અદાણી બંદરના દરવાજા ખાતે ગતરાત્રે આ ઘટના બની હતી. અદાણી કંપનીના ખાનગી સલામતિ વિભાગના અધિકારી મૂળ રાજસ્થાનના મહેન્દ્રાસિંહ સુખરામ કુસવાહાએ આ મામલે ગોયરસમા ગામના દિલુભા દેવાજી સમા, દીપસંગજી લાખુભા જાડેજા અને ખેંગારજી તુગાજી જાડેજા સામે ગાળાગાળી સાથે હુમલો અને તોડફોડ દ્વારા નુકસાન કરવા વિશે ફરિયાદ લખાવી હતી. પોલીસ સાધનોએ ફરિયાદને ટાંકી આ વિગતો આપતાં જણાવ્યું હતું કે અદાણી કં5ની દ્વારા અગાઉ ગામની ગાયોને ચારો અપાતો હતો. હાલે આ પ્રવૃત્તિ બંધ કરવામાં આવી છે. ગાયોને ચારો કેમ બંધ કર્યો તેમ કહીને ત્રણેય આરોપી મુંદરા એરપોર્ટમાં ગેરકાયદે ઘૂસ્યા હતા અને `આ એરપોર્ટ તમારા બાપનું નથી' તેમ કહીને ગાળાગાળી અને ધાકધમકી કરી હતી. તો દરવાજા ઉપરની કેબિનના કાચમાં પણ તેમણે તોડફોડ કરી હતી. હાથના મુક્કા કાચ ઉપર મારીને તોડફોડ કરવા દરમ્યાન દિલુભા જાડેજાને જમણા હાથે ઇજાઓ થઇ હતી. તેને મુંદરાથી વધુ સારવાર માટે ભુજ ખસેડાયો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. મુંદરાના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.એમ. ઝાલાએ કેસની તપાસ હાથ ધરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer