રાશનકાર્ડ કૌભાંડમાં યોગ્ય કાર્યવાહી ન થઇ

ભુજ, તા. 17 : બોગસ બી.પી.એલ. રાશનકાર્ડના બહાર આવેલા કૌભાંડમાં જવાબદારો સામે કાર્યવાહી કરાઇ ન હોવાની ફરિયાદ કરાઇ હતી. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અને જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી અને બોગસ બી.પી.એલ. રાશનકાર્ડ તળે અનાજ કૌભાંડના ફરિયાદી આદમભાઇ ચાકીએ રાજ્ય પુરવઠા અધિકારી સચિવ સંગીતા સિંહને પત્ર?લખી જણાવ્યું કે, ભુજમાં સસ્તા અનાજની દુકાનો પર થતા ભ્રષ્ટાચાર અને તે પૈકી ભુજ શહેરમાં કુલ્લ 40 દુકાનોના કુલ્લ 13,703 બી.પી.એલ. કાર્ડધારકો પૈકી બનાવાયેલા બોગસ બી.પી.એલ. કાર્ડ બાબતે તપાસ કરી જવાબદારો સામે ફોજદારી માટે આધાર-પુરાવા જેમાં મૂળ કચ્છના હાલે મુંબઇ વસતા નાનજી સુંદરજી સેજપાલ જેવા દાનવીરનાં નામે બોગસ બી.પી.એલ. કાર્ડ બનાવી અનાજ ખરીદાતું હોવા સહિતના અનેક દાખલા ટાંકી ફરિયાદ કરાઇ હતી. આ ફરિયાદના અનુસંધાને થોડા સમય અગાઉ પુરવઠા વિભાગ દ્વારા 9919 બોગસ બી.પી.એલ. કાર્ડ રદ કરાયા છે પરંતુ તે બનાવનાર દુકાનધારકો અને કચ્છ-ભુજના પુરવઠાના અધિકારીઓ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરાઇ નથી. આ એક મોટું કૌભાંડ?છે, જે ભૂકંપ સમયથી ચાલ્યું આવે છે. આ અંગે શ્રી ચાકીએ જણાવ્યું કે, તેમને મળેલી માહિતી મુજબ ભાજપના શહેર, તાલુકા અને જિલ્લા સુધીના નેતાઓને સંડોવતા આ કૌભાંડ સાથે સંકળાયેલાઓ પાસેથી ફંડ ઊભું કરી ગાંધીનગરથી જિલ્લાના તમામ પુરવઠાના અધિકારીઓની વ્યવસ્થા થકી આગળની કોઇ કાર્યવાહી થઇ નથી. જેથી આ બાબતે સચિવ તથા કલેક્ટરને રજૂઆત કરી દિન 15માં ફોજદારી ફરિયાદ દાખલ કરવા જણાવાયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer