લખપત તા.પં. ચૂંટણીમાં ટાઈ તથા પક્ષાંતર મામલે અહેવાલ મૂકવા આદેશ

ભુજ, તા. 17 : લખપત તાલુકા પંચાયતની ચૂંટણીમાં થયેલી ટાઈ તેમજ પક્ષાંતર મામલો હાઈકોર્ટના દ્વારે પહોંચતાં રાજ્યના વિકાસ કમિશનર તેમજ જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓને આઠ દિવસમાં સમગ્ર અહેવાલ મોકલવા આદેશ કરાયો હતો. લખપત તા. પંચાયતની ગત 20મી જૂને યોજાયેલી પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં ચિઠ્ઠી પ્રથા તેમજ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલાં વીણાબેન અંસારીના પક્ષપલટા બાબતે તાલુકાના કોંગ્રેસ અગ્રણીઓમાં ફેલાયેલા અસંતોષના પરિણામ સ્વરૂપે તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પડકારતી અપીલ દાખલ કરાઈ, જેના અનુસંધાને યોજાયેલી સુનાવણીમાં ન્યાયાધીશ શ્રી કુરેશી દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંગેનો અહેવાલ આઠ દિવસમાં કોર્ટને રજૂ કરવા જણાવાયું છે, તેમજ આ અહેવાલ કોર્ટને મળ્યા બાદ તેનો અભ્યાસ કરી ગત 20મી જૂને થયેલી પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી તેમજ કારોબારી તથા ન્યાય સમિતિની નિમણૂકને પણ આ આદેશ લાગુ પડશે તેવું સ્પષ્ટ જણાવાયું હતું. હાઈકોર્ટ દ્વારા દાદ મેળવવાનો રાજ્યમાં આ પ્રથમ કિસ્સો છે તેવું જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા પી.સી. ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer