ઈફકોએ મોબાઈલ એપ દ્વારા ખેડૂતો માટે વધુ એક ક્રાંતિકારી પગલું ભર્યું

ગાંધીધામ, તા. 17 : સહકારી ક્ષેત્રની વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદક કંપની ઈફકોએ ખેડૂતોને સેવા પૂરી પાડવાના ઉદ્દેશથી સોશિયલ ઈ- કોમર્સ એપ્લિકેશન ઈફકો આઈમંડી તથા એક વેબ પોર્ટલ શરૂ કરીને ડિજિટલ ક્ષેત્રમાં વધુ એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવાની દિશામાં આ એક સાર્થક પહેલ છે. ઈફકોના તમામ ઈ-કોમર્સ આ પ્લેટફોર્મ ઉપર મળશે. ઈફકો ઈ-બજાર લિ. દ્વારા સિંગાપોરની આઈમંડી પ્રા.લિ.ની સાથે મળીને કરવામાં આવેલું આ એક વ્યૂહાત્મક રોકાણ છે. આ પહેલનો ઉદ્દેશ દેશના દરેક ખેડૂત સુધી ડિજિટલ ટેક્નોલોજીનો લાભ પહોંચાડવાનો તથા ગ્રામ્ય ભારતમાં ડિજિટલ ક્રાંતિ લાવવાનો છે. ઈફકોના વહીવટી નિયામક ડો. યુ.એસ. અવસ્થીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ખેડૂતો વચ્ચે ઓનલાઈન અને ડિજિટલ લેવડદેવડના ઉપયોગનો પ્રચાર-પ્રસાર કરવાના અભિયાન બાદ આ ઈફકો આઈમંડી એપનો પ્રારંભ કરતા અમે ગર્વ અનુભવીએ છીએ. આ એપમાં કૃષિ આદાન-પ્રદાન, ગ્રાહક વપરાશની ચીજવસ્તુઓ, ઈલેક્ટ્રોનિક્સ, લોન, વીમા વગેરેની ખરીદી કરવા માટે વન સ્ટોપ વન શોપ છે. આ એપથી 5.5 કરોડ ખેડૂતો લાભાન્વિત થશે. આઈમંડી પ્રા.લિ.ના સંસ્થાપક વી.કે. અગ્રવાલે જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મના માધ્યમથી દરેક ઘર, દરેક ગામમાં મોટાપાયે સામાજિક પરિવર્તન લાવવામાં મદદ મળશે. આ યોજનાને વ્યાપક સ્તરે કાર્યાન્વિત કરવામાં આવશે. ઈફકોનાં 55,000 વેચાણ કેન્દ્રો, 36,000 સભ્ય સમિતિઓ, 30,000 ભંડાર ગૃહો તથા 25 કરોડ ગ્રામ્ય વપરાશકર્તાઓ સાથે જોડાઈને આ એપ સોશિયલ ઈ-કોમર્સ ક્ષેત્રમાં ભારતની સૌથી મોટી કંપની બનશે. આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો જે-તે વિષયના તજજ્ઞો સાથે વાત કરી શકશે. વિવિધ સમસ્યાઓ પર તેમની સલાહ લઈ શકશે. એકબીજા ખેડૂતો સાથે સફળતાનું આદાન-પ્રદાન કરી શકશે. આ એપ્લિકેશન થકી ચેટ, ઓડિયો તથા વીડિયો કોલ, ફોટો, વીડિયો પણ વહેંચી (શેર) શકાશે, જે સંપૂર્ણપણે ગુપ્ત અને સુરક્ષિત રહેશે તથા હવામાન, બજારભાવ, દૈનિક સમાચારોની જાણકારી અને સ્થાનિક, રાષ્ટ્રીય રેડિયો સ્ટેશનના કાર્યક્રમો પણ સાંભળી શકાશે અને નજીકના ભવિષ્યમાં પોતાનાં ઉત્પાદનો સારી કિંમતે ઓનલાઈન વેચી શકાશે. આ એપ્લિકેશનમાં હિન્દી, અંગ્રેજી તથા 10 પ્રાદેશિક ભાષાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેવું ઈફકોની એક યાદીમાં જણાવાયું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer