કચ્છના આઇજી પીયૂષ પટેલની બદલી

કચ્છના આઇજી પીયૂષ પટેલની બદલી
ગાંધીધામ, તા. 16 : રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો કરતાં બદલીના મોડી રાત્રે થયેલા આદેશમાં કચ્છના રેન્જ આઇ.જી. પીયૂષ પટેલ પણ બદલ્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. તેમના સ્થાને સુરત સિટીના જોઇન્ટ કમિશનર ડી. બી. વાઘેલાને કચ્છ બોર્ડર રેન્જના નવા આઇ.જી. તરીકે મૂકવામાં આવ્યા છે. આ અંગે સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ લાંબા સમયથી પોલીસ ઉચ્ચ અધિકારીઓની બદલી અટકી હતી. અંતે આજે મોડી રાત્રિના 11 વાગ્યાના અરસામાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ રાજ્યના 33 આઇ.પી.એસ. અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે. જેમાં 9 રેન્જ આઇજીને પણ બદલવામાં આવ્યા છે તેમાં કચ્છના આઇ.જી. પીયૂષ પટેલનો પણ સમાવેશ કરાયો છે. તેમને ગાંધનીગર આઇજીપી સ્થિત આર્મ્સ યુનિટ?ખાતે મૂકવામાં આવ્યા છે. દરમ્યાન મોડી રાત્રે જારી થયેલા આદેશ મુજબ કચ્છના બોર્ડર રેન્જ આઇ.જી. પીયૂષ પટેલને હથિયારી એકમ ગાંધીનગર ખાતે આઇ.જી.પી. તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત અગાઉ કચ્છમાં ફરજ બજાવી ચૂકેલા સંજય શ્રીવાસ્તવને ડી.જી. કાયદો વ્યવસ્થાના પદે મૂકવામાં આવ્યા છે. નીરજા ગોટરને સ્ટેટ મોનિટરિંગ સેલમાં એડિશનલ ડી.જી.પી. તરીકે મુકાયા છે જ્યારે કડક અને પ્રામાણિક અધિકારી તરીકેની છાપ ધરાવતા અને એ.સી.બી.ના નિયામક હસમુખ પટેલને ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના એમ.ડી. તરીકે બદલવામાં આવ્યા છે. દરમ્યાન પૂર્વ કચ્છ પોલીસવડા ભાવનાબેન પટેલનો બદલીના આ લિસ્ટમાં સમાવેશ ન થતાં આશ્ચર્ય પ્રસર્યું છે. કુલ 33 આઇપીએસ અધિકારીઓની બદલીમાં વડોદરા અને રાજકોટ પોલીસ કમિશનરની બદલીઓ મુખ્ય ગણવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને વડોદરા પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે. જ્યારે હાલના વડોદરાના પોલીસ કમિશનર મનોજ શશિધરને પંચમહાલ રેન્જ આઇજી તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલ ગૃહસચિવ તરીકે ફરજ બજાવતા વરિષ્ઠ આઇપીએસ અધિકારી મનોજ અગ્રવાલને રાજકોટ પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer