18 ઓવરલોડ વાહન તંત્રની ઝપટે

18 ઓવરલોડ વાહન તંત્રની ઝપટે
ભુજ, તા. 16 : ઓવરલોડ સંપૂર્ણ બંધ થઈ ગયાના ગાણા વચ્ચે આજે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ) ભુજની ટુકડીએ સામખિયાળી ચેકપોસ્ટ પર તપાસ હાથ ધરતાં નિયત વહનક્ષમતા કરતાં વધુ વજન સાથે માર્ગ પર દોડી રહેલાં 18 વાહન ઝપટે ચડયા હતા. માર્ગ સલામતીના અન્ય નિયમોના ભંગ સહિત કુલ 20 વાહનો સામે દંડાત્મક કાર્યવાહી સાથે સ્થળ પર જ રૂા. 1.46 લાખ કરતાં વધુની રકમની વસૂલાત પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો પછી પણ કાબૂમાં આવવાના બદલે માલ પરિવહન ક્ષેત્રમાં ઓવરલોડનું દૂષણ અવિરત રહ્યાનું આજની કાર્યવાહી પરથી સપાટી પર આવી રહ્યું છે. આરટીઓ ટુકડીએ આજની ધાક બેસાડતી કામગીરી કરીને ઓવરલોડમાં પ્રવૃત્ત તત્ત્વોમાં ફફડાટ ફેલાવ્યો છે. મળતી વિગતો મુજબ જિલ્લા આરટીઓ કચેરીની એક તપાસ ટુકડી સામખિયાળી ચેકપોસ્ટ ધસી ગઈ હતી અને ત્યાંની એક તપાસ ટુકડીને સાથે રાખીને સંયુક્ત રીતે એક પછી એક ભારવાહક વાહનોને તપાસાર્થે રોકયાં હતાં. આજની કામગીરીમાં કુલ 18 વાહન ઓવરલોડ પકડાયાં હતાં જ્યારે કુલ્લ 20 હેવી ગુડસ શ્રેણીના વાહનોને વિવિધ માર્ગ સુરક્ષા ગુના માટે સીઝ કરવામાં આવ્યા હતા. જે વાહનો ઝડપાયા હતા તેમાં એચએસઆરપી અને રિફલેક્ટીવ ટેપને લગતા કેસનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ટેકસ અને ફિટનેસ સહિતના મામલે પણ આ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ વાહનો સામે વિવિધ મામલે કુલ રૂા.1,46,535ના દંડની સ્થળ પર વસૂલાત કરવામાં આવી હતી. દરમ્યાન, આરટીઓ શ્રી દિલીપ યાદવે જણાવ્યું હતું કે, ઓવરલોડ સહિતના વાહનો સામેની ઝુંબેશ આગામી સમયમાં પણ જારી જ રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer