ભુજમાં નજીવી બાબતે બજાર ચાવડી નજીક ત્રણ?જણ પર છરીથી હુમલો

ભુજમાં નજીવી બાબતે બજાર ચાવડી  નજીક ત્રણ?જણ પર છરીથી હુમલો
ભુજ, તા. 16 : ભુજની બજાર ચાવડી નજીક જેઠી ટી હાઉસ ઉપર ચાના પૈસા બાબતે બોલાચાલી કરી એક ઇસમે ત્રણ લોકો ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેમને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડી હતી. તો સામા પક્ષે આ યુવાને પોતાને ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ કરી હતી. બીજી બાજુ ખાવડામાં સગાઇ તોડવા મુદ્દે ચાર શખ્સોએ એક વૃદ્ધ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. જિલ્લાના પાટનગર એવા ભુજની બજાર ચાવડીની બાજુમાં આવેલી જેઠી ટી હાઉસ નામની ચાની દુકાન ઉપર આજે બપોરે ડખો થયો હતો. નાના દિનારા ગામનો ઇબ્રાહીમ અલાના સમા નામનો ઇસમ આ દુકાને આવ્યો હતો. દરમ્યાન, દુકાનદાર સુરેશ દામજી જેઠી (ઉ.વ. 60)એ આ ઇસમ પાસેથી અગાઉની ચાના બાકી નીકળતા પૈસાની માગણી કરી હતી. પરિણામે ઉશ્કેરાયેલા આ ઇસમે છરી કાઢી સુરેશ જેઠી તથા દુકાનમાં કામ કરનારા શૈલેશ અમૃત ચાવડા (ઉ.વ. 40), ધર્મેન્દ્ર બટુક જેઠી (ઉ.વ. 30) ઉપર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં વૃદ્ધ એવા દુકાનદારને છાતી અને ધર્મેન્દ્રને હાથમાં ઇજાઓ થઇ હતી. તો  શૈલેશ ચાવડાના હાથની નસો કપાઇ ગઇ હતી. આ ત્રણેય ઘવાયેલાઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સામા પક્ષે ઇબ્રાહીમ સમાએ આ જ મુદ્દે સુરેશ જેઠી, શૈલેશ ચાવડા અને ધર્મેન્દ્ર જેઠીએ પોતાના ઉપર લાકડી વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે બંને ફરિયાદો લઇ આગળની તપાસ હાથ ધરી છે. ચાના પૈસા મુદ્દે આ બબાલ થતાં ભારે ચકચાર પ્રસરી હતી. બીજી બાજુ ખાવડાના પ્રણવનગરમાં મારામારીનો બીજો બનાવ બન્યો હતો. સગાઇ તોડી નાખવા મુદ્દે સમાજની બેઠક ચાલુ હતી દરમ્યાન, વેલા રાઘા કોળી (ઉ.વ. 60) નામના વૃદ્ધ ઉપર પોપટ અરજણ કોળી, નવીન રાયસંગ કોળી, રાયસંગ મલુ કોળી અને જેમલ બિજલ કોળીએ લાકડી વડે હુમલો કર્યો હતો જેમાં આ વૃદ્ધના દાંત પાડી દીધા હતા. આ બનાવ અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer