ભારત - ઇંગ્લેન્ડ વચ્ચે આજે ખરાખરીનો જંગ

ભારત - ઇંગ્લેન્ડ વચ્ચે આજે ખરાખરીનો જંગ
લીડ્સ, તા. 16 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મંગળવારે ત્રીજી અને નિર્ણાયક વન-ડે ડે-નાઇટ મેચ હેડિંગ્લેમાં રમાશે. ત્રણ મેચની શ્રેણી 1-1ની બરાબરી સાથે રોમાંચક બની ચૂકી છે. આથી ત્રીજી વન-ડે મેચ બન્ને ટીમ માટે આર યા પારનો બની રહેશે. આ મેચમાં જીતનારી ટીમના નામે વન-ડે શ્રેણી રહેશે. પહેલી મેચમાં ભારતે અને બીજી મેચમાં ઇંગ્લેન્ડે આસાનીથી જીત મેળવી હતી. પહેલી મેચના શાનદાર દેખાવ બાદ બીજી મેચમાં ભારતીય ટીમે કેટલીક ભૂલો કરી હતી. જેનું ભોગ બનવું પડયું હતું. પહેલાં બોલરોએ રન લૂંટાવ્યા અને પછી સુકાની કોહલી-રૈનાને છોડીને કોઇ બેટધર રન કરી શક્યો નહીં. ધોનીએ ધીમી બેટિંગ કરી ટીકાનું ભોગ બનવું પડયું. હવે આવતીકાલે રમાનારી ત્રીજી મેચમાં ભારતે ભૂલો સુધારીને મેદાને પડવું પડશે. મેચ ભારતીય સમય અનુસાર સાંજે પ વાગ્યાથી શરૂ થશે. કુલદીપ યાદવ સિવાયના બોલરોએ પણ વિકેટ લેવી પડશે અને રોહિત-વિરાટ સિવાયના બેટધરોએ રન કરવા પડશે. ત્રણ મેચની ટી-20 શ્રેણી ભારતે આવી જ સ્થિતિમાં જીતી હતી. આથી દબાણમાં આવ્યા વિના ટીમ ઇન્ડિયા આવું કરી શકવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ બીજી મેચ જેવું પ્રદર્શન કરીને મેચ સાથે શ્રેણી જીતવાનો ઇરાદો રાખશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer