ક્રોએશિયાના રાષ્ટ્રપતિ કોલિંડાએ ખેલાડીઓને ગળે મળીને સાંત્વના આપી

ક્રોએશિયાના રાષ્ટ્રપતિ કોલિંડાએ  ખેલાડીઓને ગળે મળીને સાંત્વના આપી
નવી દિલ્હી, તા. 16 : 40 લાખ આસપાસની વસતિ ધરાવતું અને હજુ તો 20 વર્ષ પહેલાં જ યુગોસ્લાવિયામાંથી છૂટું પડીને સ્વતંત્ર થયેલું ક્રોએશિયા ભલે ફિફા વર્લ્ડકપનો ખિતાબ સહેજમાં ચૂકી ગયું, પણ તેના ખેલાડીઓની લડાયક અને જુસ્સેદાર રમતથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓનું દિલ જીતી લીધું. ફાઇનલમાં ફ્રાન્સ સામેની હાર બાદ ક્રોએશિયાના ખેલાડીઓ તેમની ભાવના રોકી શક્યા ન હતા અને રડી પડયા હતા, ત્યારે ક્રોએશિયાના રાષ્ટ્રપતિ કોલિંડા ગ્રબર કિટારોવિચ, જેમની ખુદની આંખો ભીની થઇ ગઇ હતી, તેમણે સ્થિતિ સંભાળીને ક્રોએશિયાના ખેલાડીઓને ગળે લગાડીને સાંત્વના આપી હતી. ફાઇનલમાં ઓન ગોલ કરનાર ક્રોએશિયાનો ખેલાડી મારિયો માંજુકિચ રાષ્ટ્રપતિ પાસે જ્યારે પહોંચ્યો ત્યારે ખુદ પર કાબૂ રાખી શક્યો ન હતો પણ ક્રોએશિયાની લોખંડી મહિલા રાષ્ટ્રપતિ કોલિંડાએ એ ખેલાડીનાં આંસુ લૂછીને ગળે લગાડયો અને તેની રમતની પ્રશંસા કરી. કોલિંડાએ વિજેતા ટીમ ફ્રાન્સના ખેલાડીઓને પણ ખેલદિલીથી અભિનંદન આપ્યાં હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer