પદ્ધરમાં વીજળી પડતાં યુવતીનું મૃત્યુ

ગાંધીધામ, તા. 16 : કચ્છમાં આષાઢી બીજ કોરીધાકોડ ગયા બાદ ભુજ શહેર અને તાલુકામાં આજે ઝરમર ઝાપટાં સ્વરૂપે વરસેલા વરસાદ દરમ્યાન પદ્ધરમાં અવકાશી વીજળી ત્રાટકતાં 22 વર્ષીય યુવતી ઊર્મિલાબેન રમણભાઈ ડામોરનું તત્કાળ મોત નીપજ્યું હતું. આમ, કચ્છમાં વરસાદી મોસમમાં આ પ્રકારનું પ્રથમ મૃત્યુ નોંધાયું છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, આ બનાવ આજે સાંજે 5થી 5.20 વાગ્યાના અરસામાં વાડી વિસ્તારમાં બન્યો હતો. હતભાગી યુવતી, ભાઈ-ભાભી ત્રણેય વાડીએથી પરત આવતા હતા તે દરમ્યાન કડાકટ સાથે ત્રાટકેલી વીજળી યુવતી પર પડી હતી. ગંભીર ઈજાઓથી તેનું તત્કાળ મોત નીપજ્યું હતું. સદ્નસીબે થોડા અંતરે જ રહેલા ભાઈ-ભાભીનો બચાવ થયો હતો. આ અંગે પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer