સાંસદે પર્જન્ય યાગ કરાવ્યો ને માહોલ જામતાં આનંદ છવાયો

સાંસદે પર્જન્ય યાગ કરાવ્યો ને  માહોલ જામતાં આનંદ છવાયો
ભુજ, તા. 16 : કચ્છમાં વરસાદ ખેંચાયો તે ચિંતાનો વિષય છે. એટલે ઇશ્વરને પ્રાર્થના અને મેઘરાજાને મનાવવા યજ્ઞનું આયોજન કરાયું છે તેવું ભુજમાં ખરી નદીના તટે ભૂતનાથ મંદિર પરિસરમાં આજે પર્જન્ય યાગના આયોજક સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું. પૂર્ણાહુતિ ટાંકણે વરસાદનો માહોલ જામતાં આનંદની લાગણી ફેલાઇ હતી. માંડવી તાલુકાના મોટા ભાડિયાના કશ્યપ શાત્રીના આચાર્યપદે બ્રાહ્મણોની ટીમે મંત્રોચ્ચાર સાથે હવનમાં આહુતિઓ આપી હતી. સાંજે પાંચ વાગ્યે બીડું હોમાયું હતું. આચાર્યએ શાત્રોમાં મેઘરાજાને મનાવવા યજ્ઞોનું મહત્ત્વ વર્ણવાયું હોવાનું જણાવી યજ્ઞથી - સૌની પ્રાર્થનાથી વરસાદનું આગમન થશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સિસલ્સના ઉપરાષ્ટ્રપતિ વિન્સેટ મેરીટન - તેમના પત્ની, ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મહેશ્વરી, જિ.પં. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, ઉપાધ્યક્ષ નિયતિબેન પોકાર, પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, તા.પં.ના પ્રમુખ હરીશભાઇ ભંડેરી, ભાજપ જિ. મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધભાઇ દવે, અમૂલભાઇ દેઢિયા, નવીનભાઇ લાલન, દેવરાજભાઇ ગઢવી, પરાક્રમસિંહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા, રાહુલ ગોર, અશોકભાઇ હાથી, રવિ ગરવા, પૂજારી પ્રાગજીભાઇ સોલંકી, ધનજીભાઇ ભગત (ઋષિ આશ્રમ), વિવિધ સંસ્થાઓ, સામાજિક કાર્યકરો, સંતો, વિવિધ પક્ષના સંગઠન પદાધિકારીઓએ ઉપસ્થિત રહી યજ્ઞમાં પૂજા-અર્ચના કરી પ્રસાદનો લાભ લીધો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer