ભુજમાં મોબાઈલ ફોન સાથે ઝડપાયેલા તસ્કરે ડીઝલ ચોરી પણ કબૂલી

ભુજમાં મોબાઈલ ફોન સાથે ઝડપાયેલા તસ્કરે ડીઝલ ચોરી પણ કબૂલી
ગાંધીધામ, તા. 16 : ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થયેલી મોબાઈલ ફોન અને ડીઝલ ચોરીના પ્રકરણનો પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખાએ ભેદ ઉકેલી તસ્કરને ઝડપી પાડયો હતો. આ બંને ચોરીના બનાવમાં અન્ય છ શખ્સોનાં નામ ખૂલ્યાં છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ, એક શખ્સ ચોરાઉ મોબાઈલ વેચવા માટે આવતો હોવાની બાતમીના આધારે એલસીબી પી.આઈ. જે.એમ. આલ અને સ્ટાફે આત્મારામ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ શખ્સ પગપાળા ચાલીને આવતો હતો તેને રોકી પૂછપરછ કરી હતી. તેણે પોતાનું નામ આમદ-ઉર્ફે ભાભા સિદિક સમા (ઉ.વ. 24) જણાવ્યું હતું. તપાસ દરમ્યાન તેના કબ્જામાંથી અલગ-અલગ કંપનીના છ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તેણે અને તેની સાથે ભિલાલ જુસબ સમા, રશીદ-ઉર્ફે વાલો દેસર સમાએ પદ્ધર ગામ પાસે આવેલી ચાઈનક્લે કંપનીમાં કામ કરતા મજૂરોના આ મોબાઈલ રાત્રિના અરસામાં ચોર્યા હોવાની કબૂલાત આપી હતી. મોબાઈલ સિવાય અન્ય ચોરી અંગે પૂછપરછ કરતાં તસ્કરે 20 દિવસ પૂર્વે ભુજોડી રેલવે ફાટકે ભુડિયા ફાર્મ સામે આવેલા શ્રીજી પેટ્રોલપંપ નજીક બે ડમ્પર અને જેસીબીમાંથી 450 લિટર ડીઝલની ચોરી કરી હોવાની કેફિયત આપી હતી. આ ચોરીમાં તેની સાથે આમદ-ઉર્ફે ભાભા સિદિક સમા, ભિલાલ જુસબ સમા, રશીદ-ઉર્ફે વાલો દેસર સમા, અનવર ઈબ્રાહીમ સમા પણ સામેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે 22,100 કિંમતના મોબાઈલ ફોન અને 7 હજારની કિંમતનું 100 લિટર ચોરાઉ ડીઝલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer