ભુજમાં વરસાદી પાણી નિકાલની કેનાલે ફરી પોત પ્રકાશ્યું

ભુજમાં વરસાદી પાણી નિકાલની કેનાલે ફરી પોત પ્રકાશ્યું
ભુજ, તા. 16 : શહેરમાં સ્ટેશન રોડ પર ચાલતા વરસાદી પાણી નિકાલની કેનાલના નબળા કામની પોલ જાગૃતોએ પાધરી કરી તેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં ઊહાપોહ મચી ગયો છે. કામમાં મોટી માત્રામાં રેતી જ વાપરી ભ્રષ્ટાચાર આચરાતાં લોકોના જીવ સામે જોખમ સર્જાવાની ભીતિ વ્યક્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજમાં કરોડોના ખર્ચે ચાલતા પ્રોજેક્ટ અંતર્ગત એક તો જ્યાં જરૂર નથી ત્યાં માત્ર ને માત્ર કમાણીના ઉદ્દેશથી કામ કરાય છે અને જે જૂનું આયોજન છે તેને નુકસાન કરી કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરી ઢંગધડા વગરનું અને નબળું કામ કરાઇ રહ્યું છે, ત્યારે સુધરાઇના સત્તાધીશો કોન્ટ્રાક્ટર સામે ક્યારે પગલાં ભરશે તેવો સવાલ ઊઠયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં હમીરસર સુશોભિકરણ અંતર્ગત નખાતી વરસાદી પાણીની કેનાલનું કામ વારંવાર વિવાદમાં આવતું રહે છે. આજે સ્ટેશન રોડ પર ઉપરોક્ત કામે કોન્ટ્રાક્ટર દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી નખાઈ હતી. કેનાલમાં નીચેના ભાગે લાકડીથી ખોતરતાં અંદરથી માત્ર રેતી જ નીકળતાં લોકો અવાચક બની ગયા હતા. તસુભાર સિમેન્ટ કે કાંકરી ન હોવાથી આ કેનાલ સારા વરસાદમાં ભુજવાસીઓના જીવ માથે જોખમ સર્જશે તેવી જાગૃત નાગરિકો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. ઓફ્રેડ સ્કૂલથી બસ સ્ટેશન સુધી કોઇ જરૂર ન હોવા છતાં બંને માર્ગો ખોદીને વરસાદી પાણી નિકાલના આયોજન હેઠળ કેનાલ બનાવાઇ, જેનાં ઢાંકણાં કામ પૂરું થાય તે પહેલાં જ તૂટવા માંડયાં હતાં. ત્યારબાદ બસ સ્ટેશન પર લોકોના જીવની દરકાર રાખ્યા વિના કામગીરી આગળ વધારાઇ. બસ સ્ટેશનથી જનતાઘર જતી લાઇનની લેવલ પણ મળશે કે કેમ તેવો સવાલ પણ જાગૃતોએ ઉઠાવી સ્ટેશન રોડ તરફ જતી લાઇન ઊંચાણમાં હોવાથી પાણી પરત આવવાની પૂરતી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે. સ્ટેશન રોડ પર નવી બનાવાયેલી કેનાલમાં ગાબડાં પડયાના અહેવાલ હજુ તાજા જ છે ત્યાં જાગૃત નાગરિકોએ આજે નવી બનાવાયેલી કેનાલમાં ઊતરી અને તેમાં માત્ર ને માત્ર રેતી વપરાઇ હોવાની પોલ ખોલી હતી. આ અંગે સુધરાઇ ઉપપ્રમુખ ડો. રામ ગઢવીનું ધ્યાન દોરતાં તેમણે જણાવ્યું કે, ઉપરોક્ત બાબત ધ્યાને આવતાં સુધરાઇની ટીમને સ્થાનિકે મોકલી નબળું કામ તોડાવી ફરીથી મજબૂત કામ કરવા તાકીદકરી છે. આવાં નબળાં કામ સતત જાહેર થતાં રહે છે ત્યારે અમદાવાદના એન.પી. પટેલનો આ કોન્ટ્રાક્ટ રદ્દ કરાય તેમજ તેને બ્લેકલિસ્ટ કરી ચૂકવણું અટકાવાય તેવી માંગ જાગૃતો કરી રહ્યા છે, સાથોસાથ આ કામ પર દેખરેખ માટે નિમાયેલા કન્સલ્ટન્ટ સામે પણ લોકો સામે જોખમરૂપ કામ સામે આંખ આડા કાન કરાયા હોવાથી પગલાં ભરાય તે જરૂરી હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer