ભુજમાં કચરો-પ્લાસ્ટિક વીણતા 450 બાળ શ્રમયોગી લખતા-વાંચતા શીખ્યા

ભુજમાં કચરો-પ્લાસ્ટિક વીણતા 450  બાળ શ્રમયોગી લખતા-વાંચતા શીખ્યા
ભુજ, તા. 16 : બાળ મજૂરી પ્રથા નાબૂદી માટે સરકાર કટિબદ્ધ છે ત્યારે ભુજ કચરા અને પ્લાસ્ટિક વીણતા અને મજૂરી કામે ચાલ્યા જતા બાળકોને મજૂરીકામમાંથી મુકત કરાવી અક્ષરદાન આપવાનું કાર્ય માનવજ્યોત સંસ્થા કરે છે. શાળાએ ન જતા બાળકોની સંખ્યા હજુ પણ મોટી છે. આવા બાળકોને સમજાવી શાળા સુધી લઇ આવી પાયાનું શિક્ષણ આપી સરકારી શાળામાં પ્રવેશ અપાવવા સુધીનું કાર્ય સંસ્થા કરે છે. જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર-મુંબઇની પ્રેરણાથી છેલ્લા 10 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવે છે. જેના કારણે 450 બાળકો વાંચતા- લખતા શીખી ગયા છે. આ બાળકોએ સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે અને આગળ અભ્યાસ કરી રહ્યા છે. માનવજ્યોત સંસ્થાએ વડીલોને આગ્રહ કરતાં આખરે તેઓએ બાળકોને બે કલાક ભણવા માટે મોકલવાનું નક્કી કર્યું. સારું શીખી ગયેલા અને મોટા બાળકોને સંસ્થાએ નજીકની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાવી દીધો છે. ભગવતીધામ ભુજના રાજુભાઇ જોષીની પ્રેરણાથી સ્વ. પુષ્પાબેન પી. જોશીની સ્મૃતિમાં બાળશ્રમયોગીઓ માટે કોલીવાસમાં શાળાનું મકાન પણ બનાવી આપવામાં આવ્યું છે. જ્યાં 70 બાળકોને સવારે 9થી 11 અને ચાંદચોક દેવીપૂજકવાસમાં 60 બાળકોને સવારે 10થી 12 અક્ષરદાન, જયનગર વિસ્તારમાં 32 જેટલા ભૂલકાઓને અક્ષરજ્ઞાન આપવામાં આવે છે. આ કાર્ય માટે જૈન સોશિયલ ગ્રુપ, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, વી.ડી. હાઇસ્કૂલ, ક.વી.ઓ. જૈન મહાજન, કિડ્ઝ કેમ્પ નર્સરી એન્ડ પ્લેહાઉસ તથા જાદવજીનગરની હેપ્પી ફેસીસ સ્કૂલ, દાતાઓ વગેરેનો સહકાર મળે છે તેવું જણાવાયું હતું. રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઇ જોશી, રફીક બાવા, લતાબેન ગજ્જર તથા શ્રદ્ધાબેન ગોર, ઇલાબેન વૈશ્નવ, મરીયમબેન વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer