સ્વચ્છતા-પર્યાવરણ જાગૃતિ અંગે લોકડાયરાનું આયોજન

સ્વચ્છતા-પર્યાવરણ જાગૃતિ  અંગે લોકડાયરાનું આયોજન
ભુજ, તા. 16 : રાજ્યના તાલુકા મુખ્ય મથકોએ સ્વચ્છતા-પર્યાવરણ જનજાગૃતિ અર્થે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી દયાપર, નલિયા, નખત્રાણા અને મુંદરા ખાતે તાલુકા પંચાયત - ગ્રામ પંચાયતના સંકલન હેઠળ લોકગાયક વિશ્વનાથ જોષીના લોકડાયરાનું આયોજન કરાયું હતું. દયાપરથી પ્રારંભ કરાયેલા કાર્યક્રમમાં સરપંચ ભવાનભાઈ પટેલ, વેપારી મંડળના મહામંત્રી દિલીપભાઈ જણસારી, કિસાન સંઘના ભવાનભાઈ મુખી, પુનિત ગોસ્વામી વગેરેએ સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો અને જનજાગૃતિના લોકડાયરા અર્થે રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી. નલિયા ખાતે તાલુકા પંચાયત અધિકારીગણ તથા ગામના સરપંચ રેખાબા રવુભા જાડેજાએ વક્તવ્ય આપ્યું હતું. સખીમંડળના રમીલાબેન પરમારે મંડળ દ્વારા તૈયાર કાપડની થેલીઓનો ડેમો રજૂ કર્યો હતો અને ગૃહઉદ્યોગ પ્રત્યે મહિલાઓને જાગૃત થવા પર ભાર મૂક્યો હતો. પૂર્વ સરપંચ સતીશભાઈ ઠક્કર હાજર રહ્યા હતા. નખત્રાણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સરપંચ તેમજ ભરતભાઈ સોનીએ પ્લાસ્ટિકના કચરાનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરી હતી અને સ્વચ્છતા અભિયાનમાં નખત્રાણા પોલીસ સ્ટાફ પણ જોડાતાં આભાર વ્યક્ત કર્યો હતો. મુંદરામાં ઘન કચરો અને જૈવિક કચરો નિકાલ કરવા જણાવાયું હતું. યુનિસેફના અધિકારી બિપ્લવ શંકર તેમજ જિલ્લા કો-ઓર્ડિનેટર મહેશભાઈ ચાવડાએ લોકોમાં જનજાગૃતિ અર્થે લોકડાયરા મોટું માધ્યમ હોવાનું જણાવ્યું હતું. પ્લાસ્ટિક કચરા અને ગંદકીથી થતાં રોગ વિશે પણ સમજણ આપી લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરાઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer