અંજારમાં પાલિકાનું શૌચાલય લોકોને ક્ષોભજનક બનતાં દીવાલ ચણી દેવાઈ

અંજારમાં પાલિકાનું શૌચાલય લોકોને ક્ષોભજનક બનતાં દીવાલ ચણી દેવાઈ
અંજાર, તા. 16 : અંજારમાં સુધરાઈ દ્વારા અનેક વિકાસનાં કામોને ઝડપભેર શરૂ કરી પૂર્ણ પણ કરવામાં આવતાં હોય છે, પરંતુ આ કામની ગુણવત્તા અંગે વખતોવખત પ્રશ્નો ઊઠયા છે. શહેરના નયા અંજાર વિસ્તારમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલા શૌચાલયનો ઉપયોગ સ્થાનિકો અને વેપારીવર્ગને ક્ષોભજનક સ્થિતિમાં મૂકતો હોવાની ફરિયાદ ઊઠી છે. તો બીજી બાજુ સ્થાનિકોએ દીવાલ ઊભી કરી પ્રશ્નનો ઉકેલ કર્યો છે. અંજારમાં પાલિકા દ્વારા જુદી-જુદી જગ્યાએ શૌચાલય બનાવવામાં આવ્યા છે. અલબત્ત તેની ડિઝાઈન યોગ્ય રીતે ન બનાવાઈ હોવાથી ઉપયોગકર્તા માટે મુશ્કેલી ઊભી કરે છે. નવા અંજાર ચકરાવા વિસ્તારમાં બગીચા પાસે બનેલા શૌચાલયમાં પણ આ જ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. અત્રે રસ્તા પરથી પસાર થતાં લોકોની સીધી નજર ઉપયોગકર્તા પર પડે છે. જેના કારણે પુરુષવર્ગ પણ શરમ અનુભવે છે. આ સમસ્યાના ઉકેલ અર્થે બહાર પાકી દીવાલ ઊભી કરવી પડી છે. નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટની રકમ ખર્ચની દિશામાં વિચાર કરવામાં આવે છે. પરંતુ જે-તે વિકાસનાં કામોની ભૌગોલિક પરિસ્થિતિ અને ટેકનિકલ મુદ્દાને ધ્યાનમાં લેવાતા ન હોવાનો ગણગણાટ શરૂ થયો છે. શૌચાલયના નિર્માણ અંગે આ સમસ્યા એન્જિનીયરના ધ્યાને નહીં આવી હોય એવો પણ પ્રશ્ન ઊભો થયો છે. અંજારમાં ચાલતા વિભિન્ન પ્રકારના વિકાસના કામો પર પાલિકાના જવાબદારો દ્વારા નિરીક્ષણ કરવામાં આવતું જ નથી. માત્ર કામ કરનાર એજન્સીના ભરોસે જ નાવને દરિયો પાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ જાગૃત નાગરિકોએ કર્યો હતો. આગામી દિવસો પાલિકા દ્વારા થનાર કામોમાં સામાન્યમાં સામાન્ય બાબતને કેન્દ્રમાં મૂકવામાં આવે એવી માંગ ઊઠી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer