સિસલ્સના ઉપરાષ્ટ્રપતિએ સેડાતાની સૂર્યા સ્પોર્ટસ એકેડેમીની મુલાકાત લીધી

સિસલ્સના ઉપરાષ્ટ્રપતિએ સેડાતાની  સૂર્યા સ્પોર્ટસ એકેડેમીની મુલાકાત લીધી
ભુજ, તા. 16 : કચ્છી - બિનનિવાસી ભારતીય વિશ્રામભાઇ જાદવાભાઇના આમંત્રણને માન આપી સિસલ્સના ઉપરાષ્ટ્રપતિ વિન્સેન્ટ મેરીટન કચ્છની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. તેમણે સેડાતાની સૂર્યા સ્પોર્ટસ એકેડેમીની મુલાકાત લીધી હતી. વિશ્રામભાઇના વતનના ગામ ભારાસર થઇ તેમણે સેડાતાની મુલાકાત લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ વિન્સેન્ટ મેરીટનની આ ખાસ મુલાકાત સંદર્ભેની પૂર્વભૂમિકાની વિગતો આપતાં ધનજીભાઈ વિશ્રામભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે-તે સમયે નરેન્દ્રભાઈ મોદીના આમંત્રણથી અમદાવાદનું સંસ્કારધામ જોયા બાદ કચ્છના વતનપ્રેમથી પ્રેરાઇને કચ્છના સિસલ્સ ખાતે રહેતા બિનનિવાસી ભારતીય એવા વિશ્રામભાઈ પટેલ દ્વારા ભુજના સેડાતા નજીક વિશાળ વિસ્તારમાં એવી ઇચ્છા દર્શાવીને રૂા. 80 કરોડનું રોકાણ એવા હેતુસર કર્યું હતું કે, ચોવીસીના તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ અને કચ્છના ખડતલ યુવાનોને જો ખેલકૂદની તાલીમ અપાય તો તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની પ્રતિભા ઊભી કરી શકે. સિસલ્સના ઉપરાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન ભુજ નગરપ્રમુખ લતાબેન સોલંકી, જિલ્લા પંચાયત અધ્યક્ષ લક્ષમણાસિંહ સોઢા, ઉપાધ્યક્ષ નિયતિબેન પોકાર, અગ્રણીઓ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, કૌશલ્યાબેન માધાપરિયા વગેરે જોડાયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer