આદિપુરમાં રેલવે ફાટક સાથે છકડો ભટકાતાં ટ્રાફિક જામ

આદિપુરમાં રેલવે ફાટક સાથે છકડો ભટકાતાં ટ્રાફિક જામ
ગાંધીધામ, તા. 16 : આદિપુર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા ફાટક સાથે છકડો અથડાતાં એક બેરિયર તૂટી ગયું હતું. આના કારણે ફાટક ખૂલવામાં થયેલા વિલંબથી ટ્રાફિક અટકી પડયો હતો. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે 10 વાગ્યાના અરસામાં આ બનાવ ટીમ્સ કોલેજની સામે આવેલા રેલવે ક્રોસિંગ પાસે બન્યો હતો. મુંદરા તરફ આવતી-જતી માલગાડીઓના સતત આવાગમન મુજબ માલગાડી પસાર થવાની હોવાથી ગેટમેન દ્વારા ફાટક બંધ કરાયું હતું. ફાટક બંધ થાય તે પૂર્વે વાહન કાઢી લેવાની છકડાચાલકે કોશિશ કરી પરંતુ ફાટક બંધ થતાં અને ગતિમાં રહેલો છકડો બેરિયર સાથે અથડાતાં બેરિયર વાંકુ વળી ગયું હતું. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. માલગાડી પસાર થઈ ગયા બાદ રેલવેના સ્ટાફે ત્વરિત તૂટી ગયેલું બેરિયર કાઢવાની કામગીરી આદરી હતી. આ કારણે ટ્રેન પસાર થયા બાદ અડધો કલાક સુધી ફાટક બંધ રહેતાં વાહનચાલકો અકળાયા હતા. આ દરમ્યાન કોઈ ઘર્ષણનો બનાવ ન બને તે માટે આરપીએફનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ ક્રોસિંગ પર તાજેતરમાં જ આધુનિક ટેકનિકવાળું બેરિયર મૂકવામાં આવ્યું હતું. ફાટક તોડી નાસી છૂટેલા છકડાચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અહીં આ પ્રકારના બનાવ બન્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer